~ દ્વારકા, જામનગર પછી ભુજ ખાતે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓએ બેઠકમાં કામગીરીની સમીક્ષાઃ કોમ્યુનિટી રેડિયોનો અભ્યાસ
બિપરજોય વાવાઝોડા દરમિયાન ઝીરો કેઝ્યુઆલિટીનો લક્ષ્યાંક સંકલનથી હાંસલ કરી શકાયો. ભયાનક વાવાઝોડા બાદ સરકારી તંત્રએ સંકલિત કામગીરી કરતાં જનજીવન નિશ્ચિત સમયમાં થાળે પડી શક્યું છે. આ સંદર્ભે અભ્યાસ કરવા માટે દિલ્હીથી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓએ ભુજ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી. દ્વારકા અને જામનગર પછી કચ્છમાં માંડવી સહિતના સ્થળોએ આ ટીમે મુલાકાત લીધી હતી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી વાવાઝોડા સહિતની કુદરતી આફતો સમયે સરકારી તંત્ર સંકલનથી કામગીરી કરે તેવા આયોજન થાય છે. આવા આયોજન અંતર્ગત કચ્છ – સૌરાષ્ટ્રમાં વાવાઝોડા દરમિયાન તંત્રની કામગીરી નોંધપાત્ર રહી હતી. આ કેન્દ્રીય ટીમ કચ્છ, જામનગર, દ્વારકાની મુલાકાત બાદ વાવાઝોડા કે અન્ય કુદરતી આપત્તિ સમયે તંત્રની કામગીરી વધુ સુદ્રઢ બનાવવા આવશ્યક બદલાવ સુચવશે. આમ, વાવાઝોડા વખતે તંત્રની કામગીરી વધુ સુદ્રઢ બનાવવામાં ગુજરાત રોલ મોડેલ બનશે. આ ટીમે કોમ્યુનિટી રેડિયો ઉપયોગી બનવા અંગે પણ અભ્યાસ કર્યો હતો. કેન્દ્રની ટીમે શું સારૂં કામ થયું? તેની જાણકારી મેળવી કચ્છ તંત્રને અભિનંદન આપ્યાં હતાં. ભવિષ્યમાં કોઈ આપત્તિ આવે તો વધુ સારી કામગીરી શું અને કઈ રીતે થઈ શકે તે અંગે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગાઈડલાઈનમાં બદલાવ લાવી શકાશે.
જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ આ બેઠક દરમિયાન વિગતવાર માહિતી આપીને જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારના ઝીરો કેઝયુઆલટીના અભિગમને ધ્યાનમાં રાખીને તમામ પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. પૂર્વે દરિયાકાંઠાના વિસ્તારમાંથી સ્થળાંતરની કામગીરી, કલસ્ટર વાઈઝ અધિકારીઓની નિમણૂક, શેલ્ટર હોમ્સનું એનજીઓ અને પોલીસ સ્ટેશન સાથે મેપિંગ, કોમ્યુનિકેશન વ્યવસ્થા, ફૂડ પેકેટ વિતરણ વ્યવસ્થા, બાળકો માટે મિલ્ક પાઉડરની વ્યવસ્થા, પાણી વિતરણ, વીજ પુનસ્થાપનને કેન્દ્રમાં રાખીને મટિરિયલ્સની ઉપલબ્ધતા, ઝાડ ટ્રિમિંગ, વાવાઝોડા પહેલા સર્ગભા મહિલાઓનું મેડિકલ ફેસિલિટીઝમાં સ્થળાંતર, પશુઓની સુરક્ષા, ધામક સ્થળોને બંધ રાખીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી વગેરે પ્રાથમિકતાના ધોરણે લેવાયેલા પગલાઓ વિશે જાણકારી આપી હતી.
પીજીવીસીએલ જોઈન્ટ એમ.ડી પ્રીતિ શર્માએ વાવાઝોડા પહેલા જ વિભાગ દ્વારા કરવામાં આવેલી આગમચેતીરૂપ તૈયારીઓ, મટિરિયલ્સ સંગ્રહ, સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં મટિરિયલ્સ મૂવમેન્ટ, બહારના જિલ્લામાંથી રિસ્ટોરેશન ટીમોની તૈનાતી, વાવાઝોડા બાદ યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનસ્થાપિત કરવાની કામગીરી અંગે વિસ્તૃત વિગતો રજૂ કરી હતી.
પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક ડા.કરણરાજ વાઘેલા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ વાવાઝોડા દરમિયાન પોલીસની કામગીરી વિશે વિગતો રજૂ કરી હતી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રોફેસર ડા. સૂર્યપ્રકાશે સંબંધિત જિલ્લા અધિકારીઓ પાસેથી પણ મહત્વની કામગીરી અને તેમના અનુભવો વિશે પૃચ્છા કરીને જાણકારી મેળવી હતી. સંકલનથી કામગીરી કરીને ઝીરો કેઝયુઆલટીના લક્ષ્યાંકને હાંસલ કરવા બદલ જિલ્લા વહીવટીતંત્રને બિરદાવતા પ્રોફેસર ડા. સૂર્યપ્રકાશે સૌ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
