જી.કે.જન.અદાણી હોસ્પિ.માં સફેદ દાગ માટે આધુનિક નેરોબેંડ અલ્ટ્રા.લાઈટ થેરાપી સહિતની અપાતી સારવાર

૨૫ જૂન : વિશ્વ વીટીલીગો (સફેદ દાગ) દિવસ

~ વ્યક્તિત્વ આંતરિક સુંદરતાથી ખીલે,બાહ્ય દેખાવથી નહીં:સફેદ દાગના દર્દીઓએ નિરાશ થવાની જરૂર નથી

દુનિયાભરમાં ૨૫મી જૂન ના રોજ વિશ્વ વીટીલીગો દિવસ મનાવવામાં આવે છે. શરીરની પ્રતિરક્ષા પ્રણાલી નબળી થવાને કારણે તેમજ ત્રીસ ટકા સુધી વારસાગત રીતે પણ આ રોગ પરિવારમાં આવે છે. શરૂઆતમાં આ સફેદ દાગ શરીરના કોઈપણ અંગમાં દેખાય છે અને પછી વ્યાપ વધે છે.

જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના ત્વચા વિભાગના ડૉ.જુઈ શાહે કહ્યું કે, આ વિભાગના હેડ ડો.દેવેન્દ્ર પરમારના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલમાં સફેદ દાગની સારવાર માટે આધુનિક પદ્ધતિ ઉપલબ્ધ છે, જેમાં ફોટોથેરાપી, નેરોબેન્ડ અલ્ટ્રા વાયોલેટ લાઈટ થેરાપી, વીટીલીગોની સર્જરી તેમજ દવા સહિતની અનેક સારવાર કરવામાં આવે છે. યોગ્ય સમયે ઉચિત ઈલાજ કરવાથી આ બીમારીમાંથી રાહત મળે છે. હોસ્પિટલમાં દર મહિને આ પ્રકારના ૨૦ જેટલા   દર્દીઓ સારવાર લે છે.   

સફેદ દાગના દર્દીઓને સામાજિક રીતે સામાન્ય જીવન જીવવામાં તકલીફ પડે છે, એમ જણાવી ચામડી રોગના નિષ્ણાત ડો.દિપાલી વડુકુલે અને ડો.ઐશ્વર્યા રામાણીએ જણાવ્યું હતું કે, એટલે જ દર વર્ષે ૨૫મી જૂન ના રોજ આ દિવસ મનાવી આ રોગ અંગે ફેલાયેલી કેટલીક ભ્રામક માન્યતાઓ દૂર કરવાનો વિશ્વભરમાં પ્રયત્ન કરાય છે. આ રોગ ચેપી નથી, તેથી છુઆ-છુતથી ફેલાતો નથી. ખાનપાનથી પણ પ્રસરતો નથી.

તબીબોના જણાવ્યા મુજબ કિશોર અને યુવાનોમાં આ રોગ થવાની સંભાવના વધુ છે. આ બીમારીમાં ત્વચાનો રંગ બનાવતા સેલ્સ નષ્ટ થવાને કારણે ત્વચાનો રંગ સફેદ થઈ જાય છે, તેથી આ સફેદ દાગ શરીરના કોઈપણ ભાગથી શરૂ થાય છે. આવા દર્દીઓએ લઘુતાગ્રંથિ સેવવાની જરૂર નથી.         

વ્યક્તિત્વ અને સુંદરતા બાહ્ય દેખાવથી નહીં, પરંતુ આંતરિક સુંદરતાથી ખીલે છે. વિશ્વમાં કેટલાક સેલિબ્રિટીઝને આવો ત્વચાનો સફેદ દાગ હતો અને છે છતાં તેઓ વિશ્વભરમાં જાણીતા છે. એટલે જ વર્ષ ૨૦૨૩માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ આવા દર્દીઓનું ભવિષ્ય સુંદર બનાવો(“લુકિંગ ફોર ફ્યુચર”)ની થીમ આપી સફેદ દાગના દર્દીઓને નિરાશ ન થવાનો સંદેશ આપ્યો છે.

Leave a comment