~ નશાના નાગચુડ સાથે બાથભીડવા તમામનો સહકાર જરૂરી
~ વિશ્વ નશા નિષેધ દિવસ : યુવાનોમાં ડ્રગ્સ લેવાનું પ્રમાણ વધતું જાય છે
વિશ્વમાં ડ્રગ્સ ની આદત લોકોમાં વધી રહી છે. યુવાનો, વયસ્કો ઉપરાંત ક્યાંક બાળકોમાં પણ આ લત આવી ગઈ છે. આવી નશીલી દવાના સેવનથી વિશ્વમાં દર વર્ષે ૨લાખ લોકો જીવ ગુમાવે છે, તો અનેક આ કુટેવમાં ફસાયેલા બંધાણી આજીવન ડિપ્રેશનમાં ગરકાવ થઈ જાય છે. ડ્રગ્સના બંધાણની ખરાબ અસર સામે રક્ષણ આપવા અને જાગૃતિ લાવવા વિશ્વમાં દર વર્ષે 26 જૂનના રોજ વિશ્વ નશા વિરોધી દિવસ મનાવવામાં આવે છે
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના વડા ડો.મહેશ તિલવાણીએ કહ્યું કે, ડ્રગ્સના બંધાણથી વ્યક્તિની મનોદશા ઉપર માઠી અસર થાય છે. માનસિક તાણ એટલી હદે વધી જાય છે કે વ્યક્તિ આત્મહત્યા પણ કરી લે છે. જો કે કેટલાકને આ લતથી છૂટવું હોય છે. આવા દર્દીઓ જી.કે.ના મનોચિકિત્સા વિભાગમાં સારવાર લેવા આવે છે. હોસ્પિટલમાં નશાની આદત છોડાવવા કાઉન્સેલિંગની ટીમ ઉપલબ્ધ છે તેમજ તમામ પ્રકારની દવાઓ પણ હોવાથી દર્દીઓને સારવાર અને પરામર્શ આપી શકાય છે.
તેમણે કહ્યું કે, લોકો આનંદ ખાતર, જીવનમાં ખાલીપણું દૂર કરવા, અખતરા ખાતર કે દેખાદેખીમાં અથવા તો કોઈ વ્યક્તિના પ્રભાવમાં માદક દ્રવ્ય લેતા થઈ જાય છે. યુવાનોમાં તો ડ્રગ્સ લેવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ચરસ, ગાંજો, અફિણ અને પોસડેડા જેવી ડ્રગ્સ લોકો લેતા થયા છે. જે લોકોને મળી પણ રહે છે. ડ્રગ્સ જેવા માદક દ્રવ્યો દવાના રૂપમાં પણ મળે છે.આવી પ્રતિબંધિત દવાઓ કેટલાક ગેરકાનુની રીતે દવાના વેપારી પાસેથી પણ મળી રહે છે, એમ ડોક્ટર તિલવાણીએ જણાવ્યું હતું.
કેટલીક દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચવાની મનાઈ હોય છે, છતાં આદતથી મજબૂર લોકો ડબલ ભાવ આપીને ખરીદી લેતા હોય છે. આ ઉપરાંત કેટલીક શારીરિક તકલીફની દવા તેમજ લાંબા સમય સુધીની ઊંઘની દવા લેવાથી પણ તેની આદત પડી જતી હોય છે. જો કે ડોક્ટરની સલાહ હોય તો દવા ચાલુ રાખવી જરૂરી છે. આ વ્યસનમાંથી મુક્ત થવા ઈચ્છુક દર્દીઓએ મનોચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ. તમામના સાથ સહકારથી જ ડ્રગ્સના દૈત્ય સામે બાથભીડી શકાય છે, તેવો સંદેશ(થીમ) વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપ્યો છે.
