વધુ વજન કે અલ્પ વજનવાળા બાળકો માટે ડાયટ પ્લાન(ખોરાકનું આયોજન) કોઈ કહે તેમ કે સોશિયલ મીડિયાના આધારે નહીં, પણ આહાર નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ થવો જોઈએ, એમ જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના ડાયટ વિભાગે અત્રે બાળકો માટે ખોરાક અંગે સલાહ લેવા માટે આવતા માતા પિતા અને વાલીઓને સમજાવ્યું હતું.
અત્રેની હોસ્પિટલમાં ચાલતા આહાર (ડાયેટ) વિભાગના આહારશાસ્ત્રી અનિલાબેન પરમારે કહ્યું કે, રોજે રોજ માતા-પિતા તેમના બાળકોને લઈને તેમના ખોરાક અંગે જી.કે.માં માર્ગદર્શન મેળવવા આવે છે, જે પૈકી કેટલાક તો સોશિયલ મીડિયાના માધ્યમથી જ્ઞાન મેળવી બાળકો ઉપર ખોરાક થોપી દેતા હોય છે. વાસ્તવમાં બાળકની ઉંમર અને તાસીર તથા યોગ્ય કારણ જાણ્યા બાદ જ ખોરાકનું આયોજન કરવું જોઈએ.
ડાયટ પ્લાન એવા જ બાળકો માટે હોય છે જેમનું કાં તો વજન વધુ હોય અગર તો ઓછું હોય, પરંતુ સોશિયલ મીડિયામાં તો જનરલ આઈડિયા આપવામાં આવે છે, જે ક્યારેક મુશ્કેલી સર્જે છે, જેમ કે વધુ વજનવાળા બાળકો માટે સવારથી રાત સુધીમાં પ્રવાહી આપે રાખે છે. ખાલી લીંબુપાણી, ડીટોક્ષ વોટર, જ્યુસ, નાળિયેર પાણી વગેરે જ્યારે ઓછા વજનવાળા બાળકો વધુ ખોરાક આપતા હોય છે.
ડાયેટીશ્યને વાલીઓને અનુરોધ કરતા કહ્યું કે, બાળક છોડ સમાન છે, જેમ છોડને પાણી સૂર્યપ્રકાશ, ખાતરની જરૂર પડે છે, તેમ બાળકને પણ પૂરતા પોષક તત્વોની જરૂર પડે છે. જો તેમાં વધઘટ થાય તો છોડ કે બાળકનો વિકાસ રૂંધાઈ જાય છે. આપણા બાળકની જરૂરિયાત આપણે જાણી શકીએ એટલે બાળકોનો વિકાસ આપણા હાથમાં છે.
બાળકને કેવો ખોરાક આપવો કે ના આપવો એ અંગે જરૂર પડે બાળરોગ નિષ્ણાત અને આહાર નિષ્ણાતોનું માર્ગદર્શન લેવા ઉપર ભાર મૂક્યો હતો.જોકે તેમણે કહ્યું કે,લોકોમાં હવે જાગૃતિ આવવા લાગી છે,જે તંદુરસ્ત નિશાની છે.
