~ પ્લાન્ટેબલ પેન્સિલ અને UV ચશ્માનું વિનામૂલ્યે વિતરણ
અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. વિદ્યામંદિરના પટાંગણમાં આયોજીત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકગણ સહિત સૌ યોગમય બન્યા હતા. આ વર્ષે ખાસ વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત ઉજવણી કરવામાં આવી હતી. એટલું જ નહીં, સુર્ય નમસ્કાર પણ પરંપરાગત કરતાં અલગ રીતે કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓને પ્લાન્ટેબલ પેન્સિલ તેમજ સફાઈ કામદારોને UV ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
AVMA ખાતે યોગ યુનિફોર્મમાં સજ્જ વિદ્યાર્થીઓની યોગનિષ્ઠા અને શિસ્ત ઉડીને આંખે વળગે તેવાં હતા. કાર્યક્રમના પ્રારંભે પ્રાર્થના,અને પતંજલીના યોગમંત્રની સાથે નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. યોગાભ્યાસુ વિદ્યાર્થીઓએ પરંપરાગતથી અલગ 25 સ્ટેપ્સમાં સુર્ય નમસ્કાર કરી સૌને અચંભિત કરી દીધા. હતા. યોગના માધ્યમથી બનાવેલી માનવ સાંકળ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. વળી બામ્બૂ સ્ટીક્સ અને હુલાહૂપ દ્વારા યોગાસનની પ્રસ્તુતિ મનમોહક હતી.
કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત મોટીવેશનલ સ્પીકર સાજન શાહ દ્વારા વિધાર્થીઓને પ્લાન્ટેબલ પેન્સિલ અને સફાઈ કામદારોને UV ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. યોગાસનોમાં SDGs પર આધારિત ઉત્તમ સ્વાસ્થ્ય, ગુણવત્તાયુક્ત શિક્ષણ, પર્યાવરણનું જતન, સામાજિક સમાનતાના હેતુઓને આવરી લેવામાં આવ્યા હતા. સાજન શાહે જણાવ્યું હતું કે “પર્યાવરણની જાણવણી કરવી એ આપણી જવાબદારી છે. આપણે સૌ તેની શરૂઆત કરીને ભવિષ્ય ઉજવળ બનાવીએ”.
બાળકોને પર્યાવરણ જાળવણીના મહત્વને સમજાએ તો તેઓ પર્યાવરણને અનુકૂળ થઈ ધરતીને હરિયાળી બનાવવામાં મદદરૂપ થશે. વિદ્યાર્થીઓને વિનામૂલ્યે વિતરીત પ્લાન્ટેબલ પેન્સિલમાંથી ઉગાડેલ છોડ શાળામાં લાવવા સૂચન કરવામાં આવ્યું જેથી તેના બીજ ગેરવલ્લે ન જાય અને બાળકો પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત બને. કાર્યક્રમના સમાપનમાં શિક્ષકોએ યોગશક્તિ પ્રદાન કરતા તાલીયોગ અને નૃત્ય પ્રસ્તુત કર્યુ હતું.
AVMA આર્થિક પડકારોનો સામનો કરી રહેલા અસાધારણ પ્રતિભા ધરાવતા બાળકો માટે આદર્શ વિદ્યામંદિર છે. હાલ તેમાં અમદાવાદના 1,000 વિદ્યાર્થીઓનું વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત શિક્ષણના મૂલ્યો સાથે જીવન ઘડતર થઈ રહ્યું છે.
