~ નિયમિત યોગ કરવાથી માનસિક તણાવ દૂર થાય છે
અદાણી મેડિકલ કોલેજના એનાટોમી પ્રાંગણમાં આયુષ્ય મંત્રાલય પ્રમાણિત યોગ શિક્ષક ડૉ.કુંદ મહેતાએ યોગદિન નિમિત્તે ઇન્ડિયન યોગા પ્રોટોકોલ અંતર્ગત કોલેજના તબીબી વિદ્યાર્થીઓ, તબીબો, કોલેજ તથા જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના સ્ટાફને સૂક્ષ્મ અને સ્થૂળ વ્યાયામ, યોગાસન, પ્રાણાયામ, ધ્યાન અને યોગનિદ્રા ઉપર યોગાસનના પાઠ ભણાવ્યા હતા. આ પ્રસંગે મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લઈ, કોલેજના ડીન ડો.એ.એન.ઘોષ તેમજ ચીફ મેડિકલ સુપ્રી. ડોક્ટર નરેન્દ્ર હિરાણીએ ઉપસ્થિત રહી યોગ કર્યા હતા.
યોગા અભ્યાસ દરમિયાન ડો.કુંદ મહેતાએ કહ્યું કે,યોગ દ્વારા વર્તમાન ક્ષણ પ્રત્યે સંપૂર્ણ સજાગતા કેળવી શકાય છે. વર્તમાનમાં જીવવાથી માનસિક તાણ ઘટે છે. મેડિકલ વ્યવસાયમાં એટલે જ યોગ અતિ આવશ્યક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તબીબ સહ યોગ શિક્ષક હોવું એ ભાગ્યે જ બનતું હોય છે. ડો. કુંદ મહેતા તબીબ સાથે યોગ શિક્ષક પણ છે. ભુજમાં એમબીબીએસ સંપન્ન કર્યા બાદ અત્યારે ઇન્ટરનશીપ કરે છે. તેમણે અભ્યાસ દરમિયાન ભારત સરકારના આયુષ્ય મંત્રાલય હેઠળ લેવલ-૩ નો કોર્ષ કરી, વાયસિબી પ્રમાણિત યોગ શિક્ષકની ઉપાધી મેળવી છે.
