~ વન વિભાગે 828 વૃક્ષોનું ટ્રીમીંગ કર્યું
~ ટ્રીમીંગના લીધે વૃક્ષો પડવાથી અકસ્માત થવાની ઘટનાઓ નિવારી શકાઈ
વાવાઝોડાના આગમન પૂર્વે જ વન વિભાગ દ્વારા ૫હેલાથી તૈયારીઓ કરવામાં આવેલી હતી. વન વિભાગ દ્વારા વાવાઝોડું આવે તે ૫હેલા જ વિવિધ ટીમો બનાવીને ૮૨૮ ભયજનક વૃક્ષોની ઓળખ કરીને વૈજ્ઞાાનિક દ્રષ્ટિકોણથી ટ્રીમીંગ કરવામાં આવ્યું હતું. જેથી વૃક્ષોના પડવાના લીઘે કોઇ મોટી દૂર્ઘટના બની નથી.
ઉ૫રાંત વાવઝોડાને લીધે વૃક્ષો ધરાશાયી થાય અને રસ્તાં બ્લોક થવાની ઘટના ન બને તે માટે માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા, ટ્રાફીક પોલીસ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની સાથે સંકલન કરવામાં આવ્યું હતું. તમામ વિભાગોને સાથે રાખી વન વિભાગ દ્વારા ટીમ વર્ક કરવામાં આવ્યું હતું. વન વિભાગની કુલ ૭૦+૧૦ કંટ્રોલરૂમની ટીમો મળીને ૮૦ ટીમો બનાવવામાં આવી હતી. કુલ ૬૮૬ વન કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતા તથા તેઓ આધુનિક સાધનોથી સજજ હતા.
કચ્છ જિલ્લામાં રસ્તા ઉ૫ર તેમજ નગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ ૪૫૮૫ વૃક્ષો ધરાશાયી થયા હતાં. વન વિભાગની સમગ્ર ટીમ દ્વારા રસ્તા ૫રથી વૃક્ષો હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવેલ હતી. વન કર્મચારીઓએ રસ્તાં બ્લોકેજથી માલસામાનના ૫રિવહન ૫ર કોઇ વિ૫રીત અસર ન થાય તે માટે ચાલુ વરસાદે અને જોરથી ફૂંકાતા ૫વન વચ્ચે દિવસ રાત કામગીરી કરી હતી.
આ સમગ્ર કામગીરી કચ્છ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક વી.જે.રાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં કચ્છ જિલ્લાના ૪ નાયબ વન સંરક્ષક તથા સમગ્ર સ્ટાફ જોડાયો હતો. વન વિભાગ દ્વારા વૃક્ષો ૫ડવાની ઘટના બને તો તે માટે અલગથી તાલુકા વાઇઝ કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યાં હતાં. જોકે, વન વિભાગની ટીમની સજજતાને લીધે ૪૫૮૫થી વધુ વૃક્ષો ૫ડવાની ઘટના બની હોવા છતાં કંટ્રોલરૂમમાં માત્ર ૨૫ રજૂઆતો જ મળી હતી. વાવાઝોડાની અસર બાદ તરત જ વન વિભાગ દ્વારા વાઇલ્ડ લાઇફના દ્રષ્ટિકોણથી જંગલ વિસ્તારમાં વિવિધ ટુકડીઓ દ્વારા સ્કેનીંગ કરાવવામાં આવ્યું હતું.
