~ બિપરજોય વાવાઝોડા પછી કચ્છી નવા વર્ષે કાર્ગોની ભરપુર આવન જાવન
~ આગોતરી તકેદારીના પગલે નહિવત નુકસાન બાદ આયાત નિકાસ માટેના ઓપરેશન ધમધમ્યા
ભરપુર આયાત નિકાસને કારણે ઔદ્યોગિક હબ બનેલા મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ ખાતે બિપરજોય વાવાઝોડાની અસર બાદ કચ્છી નવા વર્ષના સકન સાથે ધમધમાટ જોવા મળ્યો હતો. આગોતરી તૈયારી રૂપે ચાર દિવસ તમામ ઓપરેશન સ્થગિત રહ્યા બાદ ગત સાંજ થી પોર્ટની બર્થ પર 23 જાયન્ટ જહાજ લાગી ચુક્યા હોવા ઉપરાંત 26 જહાજો બર્થ માટે રાહ જોઈ ઉભા હોવાના સત્તાવાર અહેવાલ સાંપડ્યા છે.
મિડલ ઇસ્ટ, યુરોપ, આફ્રિકા અને ગલ્ફના દેશોમાંથી વિવિધ કાર્ગો ભરીને આવેલા જહાજો થકી કન્ટેનરોનું મુવમેન્ટે ફરી વેગ પકડતાં તેની સીધી અસર પરિવહન ઉપર જોવા મળી રહી છે. શ્રમિકો રાબેતા મુજબ કામે લાગી ગયા છે. પરપ્રાંતમાંથી આવતી ટ્રકો નો પ્રવાહ અગાઉ મુજબ વહેતો થતાં બંદરીય વેપાર સાથે સંકળાયેલા તમામ વેપારીઓએ રાહતનો દમ લીધો છે.
વાવાઝોડા અગાઉ થયેલ આગોતરી સુરક્ષા વ્યવસ્થા ને કારણે નહિવત નુકસાન
મુન્દ્રા પોર્ટના જવાબદાર અધિકારીઓના જણાવ્યા મુજબ એડવાન્સ ટેક્નોલોજીને કારણે વાવાઝોડા ની દરેક મુવમેન્ટ ની ખબર પડતી હોઈ અગાઉથીજ ખુલ્લામાં પડેલ કાર્ગોને તાલપત્રી વડે ઢાંકી દેવાયા ઉપરાંત સાધનો પણ લોક સાથે સંભાળી લેવાયા હતા.તેમજ શ્રમિકોનું પણ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી દેવાયું હોઈ ભારે આવજા ધરાવતા બંદરગાહ પર કોઈપણ જાતની જાનમાલ ની નુકસાની થઇ ન હતી.
