કચ્છ જિલ્લામાં નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વસુધૈવ કુટુંબકમ માટે યોગ, હર ઘરના આંગણે યોગની થીમ સાથે ઉત્સાહભેર કરાઈ હતી. ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારના આહલાદક વાતાવરણમાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા, તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી વગેરે ઉપસ્થિત રહી યોગાભ્યાસ કાર્યમાં જોડાયા હતા.
યોગકોચ વર્ષાબેન પટેલ તથા હિતેશ કપુરે ઉપસ્થિત રહી યોગ અભ્યાસ કરાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પદાધિકારીઓ, અધિકારીઓ યોગ શિક્ષકો, ટ્રેનરો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પૂર્વ કચ્છના રાપર શહેરમા પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઠાકોર સમાજવાડી ખાતે તાલુકા વહિવટી તંત્ર દ્વારા મામલતદાર કે આર ચૌધરીના અધ્યક્ષ સ્થાને, રાપર સરસ્વતી કન્યા વિદ્યાલયમાં રાપર નગરપાલિકા અને સરસ્વતી કન્યા વિદ્યાલયમાં રાપર પોલીસ મથકના પીઆઇ વી. કે ગઢવીના માર્ગદર્શન હેઠળ રાપર પીએસઆઇ જી બી માજીરાણાના વડપણ હેઠળ તથા રાપર તાલુકાની લગભગ તમામ શાળાઓ અને કચેરીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
રાપર સરસ્વતી કન્યા કેળવણી ખાતે યોગ કોચ મહેશ સોલંકી, ચીફ ઓફિસર નવઘણભાઈ કડ, મહેશ સુથાર, દિનેશ સોલંકી, સરસ્વતી કન્યા વિદ્યાલયના શાળા સ્ટાફ તથા વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી યોગના પાઠ શીખ્યા હતા. રાપર પોલીસ મથક ખાતે તમામ પોલીસ કર્મચારીઓ અને ઠાકોર સમાજવાડી ખાતે તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભચાઉ ખાતે શ્રી નવ જીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના સંચાલિત શાંતિ જુનિયર ઈંગ્લીશ સ્કૂલ ખાતે પણ બાળકો , શહેરીજનો માટે યોગ અભ્યાસ યોજાયો હતો. સંચાલન જીતેન્દ્ર જોશીએ સંભાળ્યું હતું.
