~ સ્ટોપ,સમય અને સફાઈના પ્રશ્ને રેલવે અજાણ
~ એક્સ્ટેનશનની હજી સુધી કોઈ વાત નહીં
ભુજ-અમદાવાદ વચ્ચેના ધસારાને પહોંચી વળવા માટે રેલવે દ્વારા સમર શિડયુલ હેઠળ 7 એપ્રિલ થી 30 જૂન સુધીની ખાસ સમર સ્પેશિયલની ભુજ-સાબરમતી ટ્રેન શરૂ કરાઇ છે.હાલમાં વેકેશન પૂર્ણ થઈ ગયું છે છતાં ટ્રેનમાં પ્રવાસીઓનું આવાગમન રહે છે પરંતુ રેલવે પ્રવાસીઓને સુવિધા આપવામાં નિષફળ સાબિત થયું છે.આ ટ્રેનને એક્સ્ટેનશન આપવાની વાતો થઈ રહી છે ત્યારે તેનો સમય રાતનો કરી કાલુપુર સ્ટેશન સુધી દોડાવવામાં આવે અને જૂના કોચમાં મરામત કરાવાય તેવી માગણી થઈ રહી છે.
આ અંગેની વિગતો મુજબ, સમર સ્પેશિયલની આ ટ્રેનમાં સુવિધા, સ્ટેશન અને સવલતના નામે મીંડું જોવા મળતા પ્રવાસીઓમાં આંતરિક નારાજગી જોવા મળી છે.આ ટ્રેનના તમામ કોચ જુના છે તેમજ સફાઈનો પણ અભાવ જોવા મળતો હોય છે.પ્રવાસીઓએ જણાવ્યું કે,ભુજથી અમદાવાદ જવામાં વાંધો નથી આવતો પણ ત્યાં સાબરમતી સ્ટેશને ટ્રેન ઉભી રહે છે જ્યાંથી અન્ય વિસ્તારોમાં જવા માટે ટ્રેનના ભાડા જેટલા રીક્ષા ભાડા થઈ જાય છે તો રિટર્નમાં સાબરમતીના 2 સ્ટેશન છે જ્યાં આ ટ્રેન સાબરમતી જંકશનથી ઉપડે છે ત્યાં પહોંચવામાં જ ટ્રાફિક સહિતના કારણોથી કલાક થઈ જાય છે.
ભુજ રાતે 12 કલાકે ટ્રેન પહોંચે છે અને આ સમયે રીક્ષાવાળા દિવસ કરતા બમણા ભાડા વસુલે છે જેથી ટિકિટ કરતા રીક્ષાનો ખર્ચ વધી જાય છે.આ સમર સ્પેશ્યલની ટ્રેન છે.જેથી જાહેરાત પ્રમાણે આ મહિનાના અંત સુધીમાં જ ચલાવાશે.જો એક્સ્ટેનશન આપવામાં આવે તો કાલુપર સુધી તેનું સંચાલન થાય અને રાતે દોડાવવામાં આવે તેવી માંગ થઈ રહી છે ત્યારે હવે રેલવે પ્રશ્નો સાંભળશે કે બહેરા કાને અથડાશે ? તે જોવું રહ્યું.ફરિયાદ કરો તો સ્ટાફ આવે પણ …. તાજેતરમાં એક પ્રવાસી અમદાવાદ થી ભુજ આવી રહ્યા હતા ત્યારે તેમની સીટની સામે સીટની ટ્રે નો હુક તૂટેલો હોતા તેઓ વ્યવસ્થિત રીતે બેસી શકે એમ ન હોઈ તાત્કાલિક ટ્વિટરમાં ફરિયાદ કરતા વિરમગામથી સ્ટાફ આવ્યો પણ તેમનાથી કંઈ થયું નહીં જેથી લોખંડનો તાર બાંધીને જતા રહ્યા,ધાંગધ્રા-હળવદમાં સ્ટાફ રીપેર કરી જશે તેવી ખાતરી અપાઈ પરંતુ કોઈ ન આવ્યું છેવટે ગાંધીધામ સ્ટેશને સ્ટાફ આવ્યો પણ નિરાશા મળી.આવી ઘટનાઓ દરરોજ બની રહી છે પણ રેલવે ફરિયાદનો ઉકેલ લાવવામાં અસમર્થ બન્યું છે.
