~ ઈમરજન્સીમાં પોલીસ પણ તબીબ તરીકેની ભજવશે ભૂમિકા
કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ ઈમરજન્સીના સમયે લોકોને મદદ રૂપ થઇ શકે તે માટે સીપીઆર તાલીમ આપવામાં આવી હતી.જેમાં પૂર્વ કચ્છના 1556 પોલીસ કર્મચારી અને પશ્ચિમ કચ્છના 820 પોલીસ કર્મચારીઓએ ટ્રેનીંગ સાથે અંગદાનનું મહાસંકલ્પ લીધો હતો.
ગુજરાત પોલીસના તમામ અધિકારી અને કર્મચારીઓને રવિવારે સીપીઆરની ડૉકટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા સૈદ્ધાંતિક અને પ્રેકટીક્લ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ રાજ્ય સરકાર, ડૉકટર સેલ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ, ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવી હતી.ઇમરજન્સીના સમયમાં કોઇ વ્યકિતનો જીવ બચાવી શકાય તે હેતુથી પશ્ચિમ કચ્છમાં અદાણી મેડીકલ કોલેજ, જી.કે.જનરલ હોસ્પીટલ ભુજ ખાતે 1374 પોલીસ કર્મચારીઓ તથા પોલીસ હેડ કવાર્ટર ખાતે તાલીમ લઇ રહેલા 182 જેટલા તાલીમાર્થીઓ સહીત કુલ 1556 જેટલા પોલીસ જવાનોએ અદાણી મેડીકલ કોલેજના ડો.એ.એમ.ઘોષ,ડો.સુરેશ રુડાણી,ડો.જલદીપ અને ડો.મુકેશ ચંદે દ્વારા સીપીઆર તાલીમ આપવામા આવી હતી.
જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઇ વરચંદ સહીત ભુજના ધારાસભ્ય કેશુભાઇ પટેલ,અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા,માંડવીના ધારાસભ્ય અનિરુધ્ધ દવે તથા પશ્ચિમ કચ્છ ઇન્ચાર્જ એસપી ડો.કરણરાજ વાઘેલાએ ઉપસ્થિત રહી તાલીમમાં ભાગ લીધો હતો.જયારે પૂર્વ કચ્છમાં 820 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સીપીઆઇ તાલિમ લઇ ફરજ દરમિયાન તાત્કાલીક સારવારની કોઇને જરૂર પડે ત્યારે પ્રાથમિક સારવાર આપવા સક્ષમ બન્યા હતા.
આ આયોજનમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ શરૂઆત કરાવ્યા બાદ આઇએમએસના પ્રમુખ ડો.વિપુલ ગોયલ અને તેમની તજજ્ઞ તબીબોની ટીમે આ તાલિમ આપી હતી. તાલિમી આઇપીએસ સાહિત્યા વી., અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરી, મુખ્ય મથકના ડીવાયએસપી એ.વી.રાજગોર, તાલિમી ડિવાયએસપી પી.જે.રેણુકા, તેમજ જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ તાલિમ લીધી હતી.
