~ ખરાબ હવામાનના કારણે ભારતીય વિમાને આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગી
~ ખરાબ હવામાનના કારણે મે મહિનામાં પાક.ની ફ્લાઈટ પણ ભારતીય હદમાં પ્રવેશી હતી
ઈન્ડિગો એરલાઈન્સની અમૃતસરથી અમદાવાદની એક ડોમેસ્ટિક ફ્લાઈટ ખરાબ હવામાનના કારણે પાકિસ્તાનમાં લાહોર નજીક ગુજરાનવાલા પહોંચી ગઈ હતી. જોકે, તે કોઈપણ દુર્ઘટના વિના ભારતીય હવાઈ સ્પેસમાં પાછી જતી રહી હતી તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
પાકિસ્તાનના ડૉન અખબારના અહેવાલમાં જણાવાયું હતું કે, ફ્લાઈટ રડાર મુજબ ભારતીય વિમાન ૪૫૪ નોટ્સની ગતિએ શનિવારે સાંજે ૭.૩૦ કલાકે લાહોરની ઉત્તરે પ્રવેશ્યું હતું અને લગભગ અડધા કલાક પછી ૮.૦૧ કલાકે ભારતીય સરહદમાં પાછું આવી ગયું હતું.
ઈન્ડિગોએ જણાવ્યું હતું કે તેની ફ્લાઈટ ૬ઈ-૬૪૫ શનિવારે ખરાબ હવામાનના કારણે પાકિસ્તાનની હવાઈ સરહદમાં અટારી તરફ જતી રહી હતી. પાકિસ્તાન સાથે ખૂબ જ સારી રીતે સંકલન કરીને વિમાનના માર્ગમાં ફેરફાર કરાયો હતો અને તેને અટારી તરફ લઈ જવાયું હતું. અમૃતસર એટીસી ટેલિફોનથી પાકિસ્તાન ઉડ્ડયન વિભાગના સંપર્કમાં હતું. વિમાનના ક્રૂ પણ સતત પાકિસ્તાન ઉડ્ડયન વિભાગના સંપર્કમાં હતા. આ વિમાને અંતે અમદાવાદમાં સફળ ઉતરાણ કર્યું હતું. જોકે, નાગરિક ઉડ્ડયન ઓથોરિટી (સીએએ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ખરાબ હવામાનની પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આ બાબત સ્વીકૃત હોવાથી આ ઘટનામાં કશું અસામાન્ય નથી. દરમિયાન એરપોર્ટ પર નબળી વિઝિબિલિટીના કારણે કેટલીક ફ્લાઈટ્સને પાકિસ્તાનમાં ડાયવર્ટ કરાઈ હતી.
સીએએના પ્રવક્તાએ કહ્યું કે, ખરાબ હવામાનના કારણે લાહોર માટેની ચેતવણી શનિવારે રાતે ૧૧.૩૦ કલાક સુધી લંબાવાઈ હતી. અલ્લામા ઈકબાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિઝિબિલિટી ૫,૦૦૦ મીટર હતી. નબળી વિઝિબિલિટીના કારણે લાહોર તરફ આવતી અનેક ફ્લાઈટ્સ ઈસ્લામાબાદ ડાયવર્ટ કરાઈ હતી.
મે મહિનામાં પાકિસ્તાનમાં મૂશળધાર વરસાદના કારણે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (પીઆઈએ)ની ફ્લાઈટ ભારતીય હવાઈ સરહદમાં પ્રવેશી હતી અને લગભગ ૧૦ મિનિટ સુધી ભારતીય હવાઈ સરહદમાં રોકાઈ હતી. પીઆઈએની ફ્લાઈટ પીકે૨૪૮ ૪થી મેના રોજ મસ્કતથી પાછી ફરી રહી હતી અને તે લાહોરમાં અલ્લામા ઈકબાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ કરવાની હતી. જોકે, ભારે વરસાદના કારણે બોઈંગ ૭૭૭ વિમાન માટે ઉતરાણ કરવું મુશ્કેલ બન્યું હતું. આથી તે થોડોક સમય ભારતીય સરહદમાં ગઈ હતી.
