~ આ સાથે જ ખાન સામેના કેસોની સંખ્યા વધીને ૧૪૦થી વધુ
~ પંજાબના લય્યાહ જિલ્લામાં રૃ. ૬૦૦ કરોડની ૬૨૫ એકર જમીન ફક્ત રૃ. ૧૩ કરોડમાં ખરીદવાનો આરોપ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન સામે આજે જમીન કૌભાંડનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ પંજાબ પ્રાંતમાં ૬૨૫ એકર જમીન છેતરપિંડી દ્વારા મફતના ભાવે ખરીદવા સાથે સંકળાયેલો છે.
ગયા વર્ષે એપ્રિલમાં વડાપ્રધાન પદેથી દૂર કરવામાં આવ્યા પછી પાકિસ્તાન તેહરીકે ઇન્સાફ (પીટીઆઇ) પક્ષના વડા ૭૦ વર્ષીય ઇમરાન ખાન સામે દાખલ કરવામાં આવેલા કેસોની સંખ્યા વધીને ૧૪૦થી વધુ થઇ ગઇ છે.
ખાન સામેના મોટા ભાગના કેસો આતંકવાદ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત તેમની સામે પ્રજાને હિંસા માટે ઉશ્કેરવી, હત્યાનો પ્રયત્ન કરવો, ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના કેસો પણ થયેલા છે.
પંજાબના એન્ટી કરપ્શન એસ્ટાબ્લિશમેન્ટ (એસીઇ)એ ઇમરાન ખાન સામે નવો કેસ દાખલ કર્યો છે. ખાનના બહેન ઉઝમા ખાન, તેમના પતિ તથા પંજાબના મુખ્યપ્રધાન ઉસ્માન બુઝદાર સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
એસીઇએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ખાન અને અન્ય કેટલાક લોકો પર પંજાબના લય્યાહ જિલ્લામાં ૬૨૫ એકર જમીન મફતના ભાવમાં ખરીદવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમણે આ જમીન ફક્ત ૧૩ કરોડ રૃપિયામાં ખરીદી હતી જ્યારે આ જમીનની કીંમત ૬૦૦ કરોડ રૃપિયા હતી.
