~ વાલીઓમાં જાગૃતિના અભાવે બાળકોમાં દાંતની સમસ્યા સર્જાઈ શકે
~ બાળકોને વધી પડતી મીઠી ચીજ વસ્તુથી દૂર રખવા
માત્ર વયસ્કો, યુવાનો અને મહિલાઓમાં જ નહીં, બાળકોમાં પણ દાંતની સમસ્યામાં હવે વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ ફક્ત ગામડાંઓમાં જ નહીં, શહેરોમાં ય જોવા મળે છે, એમ જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના દંત ચિકિત્સકોએ જણાવ્યું હતું.
હોસ્પિટલના દંત ચિકિત્સક ડો.નિયંતા ભાદરકાએ કહ્યું કે, જી.કે. માં બાળકોને નાની મોટી દાંતની સમસ્યાની સારવાર આપવામાં આવે છે. વર્તમાન સંજોગોમાં તો દર મહિને 100 ની આસપાસ બાળ દર્દીઓ સારવાર લેતા હોય છે, તેના મુખ્ય કારણોમાં વાલીઓનું અને માતા પિતાની નિષ્કાળજી અને ઠંડા પીણા તથા આઈસ્ક્રીમ તેમજ મોટેરાંઓને જોઈને ગુટખા ખાવાને કારણે પણ આ રોગમાં વધારો થયો છે.
દાંતના ડો. નિશા મોરડીયા અને ડો. નિશાત ખત્રીએ જણાવ્યું હતું કે, ઠંડા પીણા અને આઈસ્ક્રીમ તેમજ વધુ પડતી સ્વીટ્સ ખાધા પછી બાળકોમાં દાંતનો સડો શરૂ થાય છે, તેનું મુખ્ય કારણ આવી ચીજ વસ્તુ લીધા પછી દાંતની સફાઈ પરત્વે વાલીઓની બેકાળજી જવાબદાર હોય છે. આવું જ ગુટખાઓનું છે, વાલીઓ પોતે લેતા હોવાથી બાળકો પણ તેમનું અનુકરણ કરે છે, જેનું પ્રથમ પરિણામ તો દાંતે જ ભોગવવાનું હોય છે.
બાળકોના દાંત બગડવા પાછળ ઘણી વાર જન્મ પછીના પણ કારણ હોય છે, જેમાં દુધિયા દાંત મહત્વના છે. બાળક છ મહિના ઉપરનું થાય ત્યારે આ દાંત ઉગે છે. ધીમે ધીમે વિકાસ સાથે કાયમી દાંત આવવાની શરૂઆત થાય છે. બાળક છ થી આઠ વર્ષનું થાય ત્યારે જાગૃતિના અભાવે આ સમયગાળામાં દાંતમાં સડો થાય, પેઢામાં સોજો આવે જેવા રોગ જોવા મળે છે. અને એવું માનવું પણ નહિ કે,દુધિયા દાંત તો આમેય પડી જવાના છે.માટે કોઈપણ સંજોગોમાં દુધિયા દાંતની સમસ્યાને નકારવી ન જોઈએ, કેમ કે બાળકના કાયમી દાંત આવે ત્યાં સુધી દુધિયા દાંત જ ખોરાકના પાચનમાં મદદરૂપ થાય છે.
બાળકોનો વિકાસ મોઢાથી(ઓરલ હેલ્થ) જ થાય છે.તેથી બાળકની તો ખાસ કાળજી રાખવી પડે છે. સામાન્ય રીતે બાળક સવારે ઊઠીને એક જ વાર બ્રશ કરે છે.ઘણી વાર સવારે સ્કૂલ જવાની લ્હાયમાં એ પણ નથી થતું. પછી મીઠી ચીજ વસ્તુ, ઠંડુ વગેરે ખાતા હોય છે અને રાત્રે બ્રશ કર્યા વિના જ સુઈ જાય છે. મોટાભાગના બાળકોનો આ રૂટીન હોય છે. બાળકોના ઓરલ હેલ્થનું ધ્યાન રાખવા વાલીઓએ જ જાગૃત બનવું પડશે.
