પાકિસ્તાનમાં લોટની ચોરી રોકવા માટે કલમ 144 લાગુ કરવી પડી

દેવામાં ડુબી ચુકેલા પાકિસ્તાનમાં ખાવાના ફાંફા તો છેલ્લા કેટલાક સમયથી છે જ. મોંઘવારી કુદકે ને ભુસકે વધી રહી હોવાથી લોકો માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ ખરીદવી મુશ્કેલ બની રહી છે અને તેમાં હવે લોટની ચોરી શરૂ થઈ ગઈ છે. 

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં લોટની ચોરી રોકવા માટે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. સરકારે આ માટે સત્તાવાર રીતે આદેશ પણ કર્યો છે. 

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ઘઉંની ખેતી થાય છે. આ ઘઉં આખા દેશમાં પહોંચે છે અને પાકિસ્તાનમાં અત્યારે લોટની અછત છે ત્યારે બલૂચિસ્તાન પ્રાંતની સરકારે રાજ્યમાં પેદા થયેલા ઘઉં કે પછી તેમાંથી બનાવાતા લોટની ચોરી રોકવા માટે 144 કલમ લાગુ કરી છે. સરકારનુ કહેવુ છે કે, ઘઉંની આગામી સીઝન સુધી રાજ્યમાં લોટની અછત ના સર્જાય તે માટે નિર્ણય લેવાયો છે. 

પાકિસ્તાનમાં લોટ અને ખાંડના ભાવ આસમાનને અડી રહ્યા છે. વધતી મોંઘવારી પાકિસ્તાનની ગરીબ જનતાના મોઢામાંથી કોળિયો ખૂંચવી રહી છે. બલૂચિસ્તાનમાં ખાંડનો ભાવ 130 થી 200 રૂપિયા અને 20 કિલો લોટની કિમત 2600 થી 4000 રૂપિયા પહોચી ચુકી છે. 

પાકિસ્તાનમાં રમઝાન મહિનામાં પણ લોટની અછત સર્જાઈ હતી. પાકિસ્તાનની મિલોએ તે સમયે હડતાળ પર ઉતરવાનુ એલાન કર્યુ હતુ. 

Leave a comment