~ નિફ્ટી બેંકની એક્સપાયરી ગુરૂવારને બદલે હવે શુક્રવારે કરવામાં આવશે
ભારતીય શેરબજારને વધુ વ્યાપક બનાવવા અને રોકાણકારોને આકર્ષવાની સાથે-સાથે હવે રેગ્યુલેટરો અને બીએસઈ-એનએસઈ ટ્રેડરોને આકર્ષવા માટે અનેક પગલાં લઈ રહ્યાં છે. બીએસઈની જાહેરાત બાદ ત્વરિત ટક્કર આપવા માટે નેશનલ સ્ટોક એક્સચેન્જે બેંક નિફ્ટી ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સના એક્સપાયરી ડેમાં ફેરફારની જાહેરાત કરી છે. હાલમાં બેંક નિફ્ટીના વાયદા બજારના સોદાની સાપ્તાહિક એક્સપાયરી ગુરુવારે હોય છે. હવે આ એક્સપાયરીનો દિવસ ગુરુવારના બદલે શુક્રવારે થશે. એક્સપાયરી દિવસમાં આ ફેરફાર ૭ જુલાઈ, ૨૦૨૩થી અમલમાં આવશે.
મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એક તરફ રીટલે રોકાણકારો, ટ્રેડરોને ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)ના લાસ વેગાસ જેવા કેસીનોથી સાવચેત કરી દૂર રહેવાનો ઈશારો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ એક્સચેન્જો-બ્રોકરો અને સરકાર લખલૂંટ કમાણી કરાવી આપનારા આ સેગ્મેન્ટમાં ભલે રીટેલરો, ખેલાડીઓનો ખો નીકળી જતો, પણ આપણે તો આ જુગારખાનામાં લોકોને તાણી લાવો અને આપણું તરભાણું ભરે રાખો એવી નીતિમાં હરીફાઈને વધુ કાતિલ બનાવી રહ્યા છે.
એફ એન્ડ ઓ એક્સપાઈરીનો દિવસ ગુરૂવારને બદલે શુક્રવાર કરીને એક તરફ પ્રથમ બીએસઈ દ્વારા પોતાના એફ એન્ડ ઓના બિઝનેસ ટર્નઓવરને વેગ આપવાના લેવાયેલા નિર્ણયને પગલે આ સેગ્મેન્ટમાં પ્રભુત્વ ધરાવતું અને કોઈ અન્ય એક્સચેન્જને ફાવવા નહીં દઈ પ્રથમ નંબરે રહેલા નેશનલ સ્ટોક એક્સચેન્જે (એનએસઈ)એ પોતાનો ગરાસ લૂંટાઈ જવાના સંકેત, ભયને પગલે બીએસઈની જેમ ૭,જુલાઈથી વિક્લી બેંક નિફટી ડેરિવેટીવ કોન્ટ્રેક્ટ્સની એક્સપાઈરી ગુરૂવારને બદલે શુક્રવારે કરવાનો નિર્ણય લેતાં શેર બજાર સાથે સંકળાયેલા લોકો આ મામલે ટ્વિટર પર આકરી ટીકાટીપ્પણી કરવા લાગ્યા છે.
નવા ફેરફાર મુજબ તમામ માસિક કોન્ટ્રેકટસની એક્સપાઈરી-વલણનો અંતિમ દિવસ એ મહિનાનો અંતિમ શુક્રવાર રહેશે. જો શુક્રવારે જાહેર રજા આવતી હોય અને શેરબજાર બંધ રહેનાર હશે તો આગલા દિવસે એક્સપાઈરી દિવસ રહેશે. નેટીઝનોનું કહેવું છે કે, એનએસઈ દ્વારા બીએસઈના તાજેતરમાં સેન્સેક્સ અને બેંકેક્સ કોન્ટ્રેક્ટ્સમાં વિક્લી ઓપ્શન્સ શરૂ કરાતાં એને ટક્કર આપવાની હોડમાં શેર બજારો કેસીનોમાં તબદિલ થઈ જશે, કેમ કે સોમવાર સિવાય દરેક ટ્રેડીંગ દિવસ એક્સપાઈરી દિવસ બની રહેશે.
શુક્રવારે ફિન નિફટીની એક્સપાઈરી, જ્યારે બુધવારે એનએસઈ મિડકેપ એક્સપાઈરી અને મિડ જુલાઈથી ગુરૂવારો નિફટી ૫૦ની એક્સપાઈરી અને શુક્રવાર બેંક નિફટી એક્સપાઈરી રહેશે. કેટલાક સપ્તાહો અગાઉ એનએસઈ દ્વારા બીએસઈની હરીફાઈમાં નિફટીની લોટ સાઈઝને ૨૫ થી ઘટાડીને ૧૫ કરવામાં આવી હતી. એક ટ્વિટર યુઝરનું કહેવું છે કે, આ કેસીનોમાં માત્ર એક્સચેન્જો અને સરકારને જ લાભ થશે, કેમ કે રીટેલ ટ્રેડરો તો વધુ નુકશાનીના ખાડાંમાં જ ઉતરશે.
સેબીના જ કહેવા મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૨માં એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં વ્યક્તિગત ટ્રેડરોના ૮૯ ટકાએ તેમના નાણા ગુમાવ્યા છે, વર્ષ દરમિયાન સરેરાશ રૂ.૧.૧ લાખની નુકશાની આ રીટેલ ટ્રેડરોએ કરી છે. સેબીએ એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં વ્યક્તિગત ટ્રેડરોના નફા-નુકશાનીનો વિગતે અભ્યાસ રજૂ કરતાં જણાવ્યું હતું કે, ટોચના ૧૦ બ્રોકરો થકી ઈક્વિટી એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં ટ્રેડ કરનારા યુનિક વ્યક્તિગત ટ્રેડરોની કુલ સંખ્યા નાણાકીય વર્ષ ૨૦૧૯ની ૭.૧ લાખ હતી એ નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૫૦૦ ટકાથી વધુ વધીને ૪૫.૨ લાખ થઈ હતી.
નાણાકીય વર્ષ ૨૦૨૨માં ઈક્વિટી એફએ ન્ડઓ સેગ્મેન્ટમાં વ્યક્તિગત ટ્રેડરોના ૧૧ ટકાએ સરારેશ રૂ.૧.૫ લાખનો નફો કર્યો હતો. એક્ટીવ ટ્રેડરો માટેની ટકાવારી પણ નજીવી ઘટીને ૧૦ ટકા થઈ હતી. સેબીએ વધુ નોંધ્યું છે કે, એક્ટીવ ટ્રેડરોના ૯૦ ટકાએ નાણાકીય વર્ષ ૨૦૨૨માં સરેરાશ રૂ.૧.૨૫ લાખની નુકશાની કરી છે.
