સંરક્ષણ મંત્રી રાજનાથની USને ચેતવણી

~ ભારત પ્રવાસે આવેલા અમેરિકાના સંરક્ષણ મંત્રી ઓસ્ટિન અને રાજનાથ સિંહ વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય બેઠક

~ બેઠકમાં પાકિસ્તાન અને ચીન સાથેના વિવાદ અંગે થઈ ચર્ચા : PM મોદી આ મહિને જશે અમેરિકાના પ્રવાસે

વર્ષોથી ચાલી આવતો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ છુપાયેલો નથી. અમેરિકાના સંરક્ષણ મંત્રી લૉયડ ઓસ્ટિન હાલ ભારતની મુલાકાતે આવેલા છે. આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તેમને ચેતવણી આપતા કહ્યું કે, તેમણે હથિયારો મામલે પાકિસ્તાન પર વિશ્વાસ ન કરવો જોઈએ. રાજનાથ સિંહે ઓસ્ટિનને કહ્યું કે, હથિયારોના મામલે પાકિસ્તાન પર વિશ્વાસ કરી શકાય નહીં. હથિયારો મામલે પાકિસ્તાન બિલકુલ ભરોસાપાત્ર નથી. કારણ કે પાકિસ્તાન હથિયારો અને ટેક્નોલોજીનો દુરુપયોગ કરી શકે છે, જેના કારણે પ્રાદેશિક અસ્થિરતા સર્જાઈ શકે છે.

ભારત-અમેરિકાના સંરક્ષણ મંત્રી વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દ્વિપક્ષીય બેઠકમાં અમેરિકા સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિન સમક્ષ પાકિસ્તાન વિશે વાત રાખી ચિંતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનિય છે કે, અમેરિકાના સંરક્ષણ મંત્રી ભારતના બે દિવસના પ્રવાસે આવેલા છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21થી 24 જૂન દરમિયાન અમેરિકા જવાના છે, તે પહેલા અમેરિકાના સંરક્ષણ મંત્રી ભારતની મુલાકાતે આવ્યા છે.

ભારત-અમેરિકા વચ્ચે LAC પર ચીનની સ્થિતિ અંગે પણ ચર્ચા થઈ

આ બેઠક પહેલા રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં અમેરિકાના સંરક્ષણ મંત્રી ઓસ્ટિનને ટ્રાઈ સર્વિસ ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને નેતાઓ વચ્ચે ઈન્ડો પેસિફિક સહિત ક્ષેત્રી સુરક્ષા મુદ્દે ચર્ચા થઈ હતી. ઉપરાંત ભારતના પડોશીઓને અંગે પણ ચર્ચા થઈ. એક અધિકારીએ જણાવ્યું કે, ભારતે અમેરિકાને કહ્યું કે, તેઓ આધુનિક હથિયારો અને ટેકનોલોજી મુદ્દે પાકિસ્તાન પર વિશ્વાસ ન કરે. બંને દેશોના સંરક્ષણ મંત્રીએ વચ્ચે LAC પર ચીનની સ્થિતિ અંગે પણ ચર્ચા થઈ. અમેરિકાના સંરક્ષણ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે બંને દેશો સાથે વાતચીત કરી છે. બંને દેશો વચ્ચે તણાવ ન વધે તે મુદ્દા પર અમે સંપૂર્ણ ભાર આપી રહ્યા છે.

Leave a comment