~ વર્ષ 2013-14માં હથિયારોની નિકાસ રૂ. 686 કરોડ હતી
~ આત્મનિર્ભર ભારત અભિયાનથી લાભ મળ્યો : 2025 સુધીમાં રૂ. 35,000 કરોડના શસ્ત્રોની નિકાસનું લક્ષ્ય
દેશના સંરક્ષણ ક્ષેત્રમાં છેલ્લા ૯ વર્ષમાં જબરજસ્ત વિકાસ થયો છે. આ સમયમાં ભારતની શસ્ત્રોની નિકાસ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. છેલ્લા નવ વર્ષમાં દેશના શસ્ત્રોની નિકાસમાં વિક્રમી ૨૩ ગણો વધારો થયો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ભારતના હથિયારોની નિકાસ રૂ. ૬૮૬ કરોડ હતી, જે ૨૦૨૨-૨૩માં વધીને રૂ. ૧૬,૦૦૦ કરોડ સુધી પહોંચી ગઈ છે.
સરકારના આંકડા બતાવે છે કે વૈશ્વિક સ્તરે ભારત સંરક્ષણ ક્ષેત્રે શસ્ત્રોના નિર્માણમાં તેની ભૂમિકા સતત વધારી રહ્યું છે. હાલ ભારત ૮૫થી વધુ દેશોને શસ્ત્રોની નિકાસ કરે છે. આ સાથે દેશની ૧૦૦થી વધુ કંપનીઓ સંરક્ષણ ઉત્પાદનોની દુનિયાભરમાં નિકાસ કરી રહી છે. આ શસ્ત્રોમાં એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર, મિસાઈલ, આર્ટિલરી ગન, પિનાકા રોકેટ અને લોન્ચર તથા ડોર્નિયર જેવા અનેક હથિયારોનો સમાવેશ થાય છે.ભારત ટૂંક સમયમાં ઈજિપ્ત અને આર્જિેન્ટિનાને તેજસ ફાઈટર વિમાનની પણ નિકાસ કરી શકે છે. હાલ ભારત શ્રીલંકા, ફ્રાન્સ, રશિયા, માલદીવ્સ, ઈઝરાયેલ, નેપાળ, સાઉદી અરબ અને પોલેન્ડ જેવા અનેક દેશોને હથિયારો વેચે છે. કેન્દ્ર સરકારે સ્વદેશી ડિઝાઈન અને નિર્માણ પર ભાર મૂક્યો છે. શસ્ત્રો-હથિયારોની નિકાસમાં તીવ્ર ઊછાળાનું કારણ કેન્દ્ર સરકારની વર્તમાન નીતિઓ છે. તેના હેઠળ દેશમાં સંરક્ષણ નિર્માણમાં સ્વદેશી ડિઝાઈન અને નિર્માણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સરકારનું લક્ષ્ય છે કે વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં શસ્ત્રોની વાર્ષિક નિકાસ રૂ. ૩૫,૦૦૦ કરોડ સુધી પહોંચી જાય. આ જ કારણે કેટલાક વર્ષ પહેલાં ભારત દુનિયાના સૌથી મોટા ખરીદદાર દેશ તરીકે ઓળખાતો હતો, પરંતુ આજે દુનિયાના ટોચના ૨૫ હથિયાર નિકાસ કરતા દેશમાં તેની ગણતરી થાય છે.
આ સાથે ભારતે સંરક્ષણ ઉદ્યોગમાં વૈશ્વિક માપદંડો સાથે ઉત્પાદન કરવાની તેની ક્ષમતા પણ દર્શાવી છે. દેશના શસ્ત્રોની નિકાસ વધારવા માટે કેન્દ્ર સરકારે છેલ્લા નવ વર્ષ દરમિયાન અનેક નીતિગત પગલાં લીધા છે. નિકાસની પ્રક્રિયાને અગાઉની સરખામણીમાં સરળ કરાઈ છે. તેનાથી ઉદ્યોગ જગતને કામ કરવામાં સરળતા થઈ રહી છે.
શસ્ત્રોના ઉત્પાદનોની નિકાસની બાબતમાં પણ સરકાર ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપી રહી છે. સરકાર તરફથી ચલાવાઈ રહેલા આત્મનિર્ભર ભારત અભિયાનનો પણ સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને લાભ મળ્યો છે. તેનાથી દેશમાં ઉત્પાદન સંરક્ષણ ઉત્પાદનોની ડિઝાઈન, ડેવલપમેન્ટ અને નિર્માણમાં નવા-નવા પ્રયોગોનો રસ્તો ખુલી ગયો છે.
