જી.કે.જન.અદાણી હોસ્પિ.માં તમાકુના ૫૦ જેટલા બંધાણીઑને માનસિક, પરામર્શ અને દવાના ઉપચારથી કર્યા વ્યસન મુક્ત

વર્લ્ડ “નો ટોબેકો ડે”:૩૧મી મે

~ મનોચિકિત્સકોએ ચાર તબક્કામાં આપી સારવાર

જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં છેલ્લા વર્ષ દરમિયાન ૫૦ જેટલા તમાકુ અને બીડી, સિગારેટ,ખેની અને ગુટકાના બંધાણીઓને માનસિક સારવાર, કાઉન્સિલિંગ અને દવા દ્વારા વ્યસન મુક્ત કર્યા હતા અને અત્યારે પણ આવા બીજા અનેક દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે એમ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના તબીબોએ  જણાવ્યું હતું. 

હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના વડા ડો. મહેશ તિલવાણીએ ૩૧મી મે વર્લ્ડ “નો ટોબેકો ડે” નિમિત્તે જણાવ્યું હતું કે, તમાકુ અનેક રોગનું કારણ છે. વિશ્વમાં ૮૦ લાખ વ્યક્તિઓ દર વર્ષે તેનો શિકાર થાય છે. તમાકુના બંધાણીઓને તમાકુના દારુણ દૈત્યથી બચાવવા મનોચિકિત્સા અને કાઉન્સેલિંગ આપી વ્યસન છોડાવી શકાય છે. જી.કે. માં વૈકલ્પિક ઔષધો પણ ઉપલબ્ધ હોવાથી બંધાણીઓને દવા અને માનસિક સારવાર આપી ધીમે ધીમે વ્યસન મુક્ત કરવામાં આવે છે. 

માનસિક સારવાર કેવી રીતે આપવામાં આવે છે એ સવાલના પ્રત્યુતરમાં ડો. તિલવાણી અને ડો. શિવાંગ ગાંધીએ કહ્યું કે, આ સારવારના ચાર તબક્કા છે, પ્રથમ તો બંધાણીએ જાતે જ માનસિક તૈયાર થવું પડે છે, જેમાં દર્દીએ ઢચું-પચું વલણ નહીં પણ સો ટકા તમાકુ વિરુદ્ધ થવું પડે છે.  ક્યારેક વ્યસનવાળા દર્દીઓ વ્યસનનું ઉપરાણું લેતા હોય છે જેમ કે, તમાકુ ખાવાથી તરો તાજા  રહેવાય છે, કામમાં મન લાગે છે. આ બધી ભ્રામક વાતોથી તેમને છૂટકારો આપવામાં આવે છે.જે બીજો તબક્કો છે.

ત્રીજા તબક્કામાં બંધાણીઓને  તમાકુ વિરુદ્ધમાં  અભિપ્રાય ઊભા કરવાનું સમજાવવામાં આવે છે. તમાકુને કારણે થતા સામાજિક, આર્થિક અને સ્વાસ્થ્યને લગતા ગેરફાયદા કાગળ ઉપર લખી સતત તેનું વાંચન કરવાનું કહેવાય છે. જે એક લાંબાગાળાની પણ સબળ માનસિકતા ઊભી કરે છે. જ્યારે ચોથી અને છેલ્લી સૌથી અગત્યની વાત એ છે કે વ્યક્તિ ભગવાન અલ્લાહ કે જે દેવી શક્તિ કે જેમાં માને છે તે શક્તિ સમક્ષ “મને આ લતમાંથી મુક્તિ અપાવો” એવી પ્રાર્થના કરવાને બદલે “મને તમાકુ છોડવાની શક્તિ આપો” એવી પ્રાર્થના કરવા ઇષ્ટદેવને કહેવાય તો તે મનોબળને વધુ દ્રઢ બનાવે છે.

કાઉન્સેલર કરિશ્માબેન પારેખે કહ્યું કે, વ્યસન છોડવા માગતી વ્યક્તિનું વિચાર પરિવર્તન, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને રોજીંદી જિંદગીમાં સામાજિક પુનઃવસન કેવી રીતે કરી શકે તે માટે ક્રમબદ્ધ કાઉન્સિલિંગ કરવામાં આવે છે. સામાન્ય રીતે વ્યક્તિ સામાજિક પરિસ્થિતિ, પૈસાની તંગી, તક ચૂકી જવી,  સામાજિક પરિસ્થિતિ અને દેખાદેખીને કારણે બંધાણી બની જાય છે પરંતુ તેનામાં આત્મશ્રદ્ધા સિંચીને લત માંથી છોડાવી શકાય છે. કાઉન્સેલિંગ મારફતે ૧૦ બંધાણીઓ વ્યસન મુક્ત થયા છે.એમ તેમણે જણાવ્યું હતું.

Leave a comment