જી.કે.જન.અદાણી હોસ્પિ.માં દૈનિક ૧૦ જેટલા સંક્રમણના દર્દી સારવાર લે છે

    દર વર્ષે 28મી મેના રોજ ‘વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે’ એટલે કે વિશ્વ માસિકધર્મ સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદેશ માસિકધર્મ દરમિયાન સ્વચ્છતા નો મહિમા સમજાવવાનો હોય છે. આમાં બેદરકારી રખાય તો પેશાબ માર્ગે સંક્રમણ જેવા ગંભીર ચેપી રોગો પણ થઈ શકે છે. જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં આવા સંક્રમણના રોજના ૧૦ જેટલા સરેરાશ દર્દીઓ સારવાર લેવા આવે છે.

      જી.કે. જન. હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર પ્રફુલ્લાબેન ભિંડેએ  જણાવ્યું હતું કે, માસિક ધર્મ મહિલાઓના જીવનનો મહત્વનો પડાવ છે, પરંતુ ઘણી વખત મહિલાઓમાં સ્વચ્છતાની કાળજી અંગેની જાગૃતિના અભાવે માસિક સબંધી સમસ્યા અને પ્રજનનતંત્રની અનેક ગંભીર બીમારીઓ થવાની સંભાવના રહે છે. માટે ઘરમાં અને સમાજમાં સંકોચને બદલે ખુલ્લી વાત કરવાની જરૂર છે, જેથી મહિલાઓ અને યુવતીઓને ગંભીર અને જીવલેણ રોગથી બચાવી શકાય. અલબત્ત, હવે  ક્રમશઃ જાગૃતી આવી રહી છે જે પ્રયાસ ચાલુ રાખવાની જરૂર છે.

    સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ.ઋષિકેશ સુરાણીના જણાવ્યા અનુસાર માસિકધર્મના દિવસોમાં સ્વચ્છતાના અભાવે ગંભીર બીમારી જેમ કે, પ્રજનન માર્ગે અને મૂત્ર માર્ગે સંક્રમણ,  ગર્ભાશયના મુખ માર્ગનું કેન્સર,સર્વાઇકલ કેન્સર  જેવા રોગો તરફ મહિલા ધકેલાઈ શકે છે. ક્યારેક વંધ્યત્વ પણ આવી શકે છે.

  સ્વચ્છતા માટે ધ્યાન રાખવા અંગે અન્ય સ્ત્રીરોગ નિષ્ણાત ડો.ધાર્મીએ કહ્યું કે સેનેટરી પેડનો ઉપયોગ જરૂરી છે.  એક જ પેડનો  ઉપયોગ વારંવાર  ટાળવો જોઈએ હવે તો સેનેટરી પેડ પણ રાહત ભાવે મળે છે.  ઉપરાંત નિયમિત સફાઈ પણ જરૂરી છે. તેમાંય ખાસ કરીને ગરમીના દિવસોમાં સફાઈની જરૂરિયાત વધી જાય છે.  શરીરમાં પાણી ઓછું ન થાય તે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાન-પાનમાં સંતુલન પણ માસિક ધર્મમાં રાહત આપે છે .જો આ દિવસોમાં સખત દુખાવો થાય તો સ્ત્રીરોગ તબીબનો સંપર્ક કરવો જોઈએ. 

     માસિકધર્મ સ્વચ્છતા દિવસ મનાવવાની શરૂઆત વર્ષ ૨૦૧૪માં જર્મનીની એક સ્વૈચ્છિક સંસ્થાએ કરી હતી, ત્યારથી દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે.  ૨૮મી તારીખ  પસંદ કરવાનું મુખ્ય કારણ સામાન્ય રીતે મોટાભાગની સ્ત્રીઓનું માસિકચક્ર ૨૮ દિવસનું હોય છે.

Leave a comment