ઉનાળુ વેકેશન દરમિયાન લોકો બહાર ફરવા જવાનુ વિચારતા હોય છે અને જુદાં જુદાં પ્રવાસન સ્થળોએ જવા માટે બુકિંગ કરાવતા હોય છે ત્યારે કચ્છના લોકો આ વર્ષે સૌથી વધારે કાશ્મીર અને શિમલા જવાનું પસંદ કરી રહ્યા છે. તો દેશના વિવિધ હિલ સ્ટેશનના પ્રવાસે જવા માટે કચ્છના ટુર ઓપરેટરો પાસે 50 ટકાથી વધુ એડવાન્સ બુકીંગ થયું છે. તો હજુ પણ ફરવાના શોખીન પરિવારો ટુર કચેરી મારફતે રમણીય સ્થળે પહોંચી રહ્યા છે. સ્થાનિકે કચ્છના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. માંડવીના વીંડ ફાર્મ બીચ ખાતે સહેલાણીઓની ભીડ જોવા મળી રહી છે.
વેકેશન દરમિયાન લોકો આ વર્ષે એપ્રિલ મહિનાના અંતથી જ ફરવાનું શરૂ કરી દીધું છે.કચ્છમાં પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.તો આ વર્ષે કચ્છના લોકો કચ્છ બહાર જુદાં જુદાં પર્યટન સ્થળોએ જવા માટે બુકિંગ કરાવી રહ્યા છે.જેમાં કાશ્મીર, ગોવા, કુલું મનાલી અને કેરળ ફરવા જવાનું લોકો વધારે પસંદ કરી રહ્યા છે.
વેકેશનમાં કાશ્મીર, શિમલા પ્રવાસીઓની પ્રથમ પસંદગી છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઉનાળુ વેકેશનમાં લોકો બહાર ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ટુર ઓપરેટરોના ત્યાં જુદાં જુદાં ટુર પેકેજની બુકીંગ માટે લોકોની ભીડ પણ જામી છે. લોકો રાજ્યમાં ફરવાની સાથે દેશમાં કે વિદેશમાં જવા માટે પણ જુદાં જુદાં પર્યટન સ્થળોની પસંદગી કરી રહ્યા છે અને એ આધારે પેકેજ નક્કી કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે લોકો કાશ્મીર ,શિમલા અને હિમાચલ પ્રદેશ વધુ ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે.
ટુર પેકેજમાં 15 ટકા જેટલો વધારો ચંદ્રમૌલી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક ઓમ ઠકકરના જણાવ્યા મુજબ આ વર્ષે ગરમીનું પ્રમાણ વધારે હોતા લોકો ઠંડા પ્રદેશોમાં ફરવા જવા માટે વધારે પસંદ કરી રહ્યા છે જેમાં કાશ્મીર, હિમાચલ પ્રદેશ, શિમલા, મનાલી જેવા પર્યટન સ્થળો પર પેકેજો વધારે જોવા મળી રહ્યા છે.આ વર્ષે વિદેશની ટુરમાં સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, દુબઇ, બાલી, યુરોપની ડિમાન્ડ વધુ છે.તો હાલમાં મોટાભાગના બુકિંગ ફુલ થઈ ગયા છે 50 ટકા ઉપર ટુર પેકેજોનું બુકિંગ થઈ ચૂક્યું છે. તેમજ 10 થી 15 ટકા જેટલા ટુર પેકેજ મોંઘા પણ થયા છે.”
કચ્છમાં પણ અનેક પર્યટન સ્થળોએ પ્રવાસીનો ધસારો
ઉપરાંત કચ્છમાં પણ અનેક પ્રવાસીઓ આવી રહ્યા છે જેમાં 2001માં આવેલ ગોઝારા ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં નિર્માણ પામેલ સ્મૃતિવન અર્થકવેક મ્યુઝીયમની લોકો વધારે મુલાકાત લઈ રહ્યા છે તો, વિજય વિલાસ, પ્રાગ મહેલ, આઇના મહલ તેમજ રોડ ટુ હેવન અને માંડવી બીચ પર ફરવા જવાનું લોકો વધારે પસંદ કરી રહ્યા છે.હાલમાં વેકેશનનો માહોલ હોતા ફ્લાઇટની ટિકિટમાં વધારો પણ આવ્યો છે તો ગાંધીધામથી હરિદ્વાર અને ગાંધીધામથી અમૃતસર જાહેર કરાયેલી ટ્રેનો શરૂ થાય તેવી માંગ પણ કરાઇ છે.
