નવા સંસદ ભવનના ઉદઘાટન અંગેની અરજી ફગાવી

~ અરજી ફગાવતા સુપ્રીમકોર્ટે કહ્યું – આ અમારું કામ નથી

~ આ પીઆઈએલ સુપ્રીમ કોર્ટના વકીલ સીઆર જયા સુકિને દાખલ કરી હતી

~ અરજીમાં ઉલ્લેખ કર્યો કે, સમારોહમાં રાષ્ટ્રપતિને સામેલ ન કરીને સરકારે ભારતીય બંધારણનું ઉલ્લંઘન કર્યું

નવા સંસદ ભવનને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે. વિપક્ષ પીએમ મોદી દ્વારા સંસદભવનના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહ્યો છે અને ઘણી પાર્ટીઓએ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વાત કરી છે. દરમિયાન આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેની સુનાવણી દરમિયાન આજે સુપ્રીમ કોર્ટે જાહેર હિતની આ અરજીને ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે અરજી  ફગાવતા ઠપકો આપ્યો 

સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દેતા અરજદારને ઠપકો પણ આપ્યો છે. કોર્ટે કહ્યું, અમને ખબર છે કે આ અરજી શા માટે દાખલ કરવામાં આવી છે? આભારી બનો કે અમે તમને દંડ કરતા નથી.

સુપ્રીમ કોર્ટના વકીલે કરી હતી જાહેર હિતની અરજી  

આ પીઆઈએલ સુપ્રીમ કોર્ટના વકીલ સીઆર જયા સુકિને દાખલ કરી હતી. તેમણે અરજીમાં કહ્યું હતું કે, ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિને સામેલ ન કરીને ભારત સરકારે ભારતીય બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. આમ કરવાથી બંધારણનું સન્માન થતું નથી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સંસદ એ ભારતની સર્વોચ્ચ વિધાયક સંસ્થા છે. ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ અને બે ગૃહો રાજ્યસભા અને લોકોનું ગૃહ, લોકસભાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ પાસે કોઈપણ ગૃહને બોલાવવાની અને રદ કરવાની સત્તા છે. આ સાથે, રાષ્ટ્રપતિ પાસે સંસદ અથવા લોકસભાને ભંગ કરવાની સત્તા પણ છે.

Leave a comment