દર વર્ષે ૨૪મી મેના રોજ ઉજવાતો વિશ્વ સિઝોફ્રેનિયા એક એવી માનસિક ગંભીર બીમારી છે, જેમાં દર્દી ભ્રમિત અને કાલ્પનિક અવસ્થામાં જીવે છે જેને કારણે તેમની ભાવના, વ્યવહાર અને રોજિંદી દિનચર્યામાં બદલાવ આવી જાય છે. અને વિચિત્ર વર્તન કરે છે.જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં રોજના આવા પંદર જેટલા જુના- નવા દર્દીઓ આ રોગની સારવાર લેવા આવે છે, એમ માનોચિકિત્સકોએ વિશ્વ સિઝોફ્રેનીયા દિન નિમિત્તે જણાવ્યું હતું.
જી.કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સક અને વિભાગના વડા ડો.મહેશ તિલવાણીએ જણાવ્યું હતું કે, સિઝોફ્રેનિયાના દર્દીઓને ઓપીડીમાં તો સારવાર અપાય છે, પરંતુ જો બીમારી વધુ ઘર કરી ગઈ હોય તો તેમને દાખલ દર્દી તરીકે અને જરૂર પડે કાઉન્સિલિંગ પણ કરવામાં આવે છે. હોસ્પીટલમાં આ રોગ માટે તમામ પ્રકારની દવા ઉપલબ્ધ છે.
તેમણે કહ્યું કે, આ રોગના અનેક રૂપ છે. દર્દીને જે બાબતનો ભાસ, ભ્રમ કે વિચાર આવે છે એવું વાસ્તવમાં કંઈ હોતું જ નથી, દર્દીને ઘણીવાર ખોટી ખાત્રી પણ થવા લાગે છે કે, કોઈ એને સતાવે છે અથવા તો પોતે ખૂબ અમીર માણસ છે એવો ભ્રમ થાય છે. અગર તો પોતે ખૂબ તાકાતવર છે. કેટલીક વાર એને એવું લાગે છે કે તેનામાં દેવી શક્તિ મોજુદ છે. જો કોઈ એને સમજાવે તો પોતાને લોકો ખોટો સાબિત કરવા મથી રહ્યા છે એવું મહેસુસ થાય છે. આવા રોગીઓ સમાજથી અલગ પોતાની ભ્રમિત દુનિયામાં જીવવા લાગે છે.
આ રોગના કારણો અંગે મનોચિકિત્સક ડોક્ટર શિવાંગ ગાંધીએ કહ્યું કે, આ એક આનુવંશિક રોગ છે. કેટલીક વાર સામાજિક પરિસ્થિતિ પણ કારણભૂત હોય છે. મગજમાંથી ઉદભવતા કેટલાક સ્ત્રાવ પણ જવાબદાર છે. ડિપ્રેશન અને ચિંતા પણ એક પરિબળ હોય છે. તબીબો કહે છે કે વ્યક્તિ જ્યારે વિચિત્ર વ્યવહાર કરે ત્યારે વિના વિલંબે મનોચિકિત્સક પાસે જવું જોઈએ અને ઈલાજ કરાવવો જોઈએ જેથી, બીમારીની ગંભીરતા ઓછી થઈ જાય. જો વર્ષો સુધી સારવાર ન લેવાય તો દર્દી ક્યારેક હિંસક પણ બની જાય છે.
ઈલાજ અંગે તબીબોએ જણાવ્યું કે, આમાં દર્દીને કોઈ મેડિકલ રિપોર્ટ કરાવવાની જરૂર પડતી નથી. આ રોગ માટે જી.કે.માં તમામ દવાઓ ઉપલબ્ધ છે. દાખલ થવાની વ્યવસ્થા છે માટે ભુજ બહાર સારવાર લેવા જવાના ખોટા ખર્ચમાંથી બચી શકાય છે અને અત્રે સાયકોલોજિસ્ટ દ્વારા કાઉન્સિલિંગ પણ કરવામાં આવે છે.જો કોઈ વ્યક્તિ વિચિત્ર વર્તન કરતું જણાય તો પૂછાવા- કારવા જેવી અંધશ્રદ્ધા જેમકે પિતૃદોષ,મેલીવિદ્યા કે વળગાળ જેવી બાબતમાં સમય પસાર કરવાને બદલે તાત્કાલિક મનોચિકિત્સતકનો સંપર્ક કરવો જોઈએ.
