મોબાઈલ ટાવર માટે ખાસ કિસ્સામાં સરકારી જમીન ભાડાપટ્ટે અપાશે

~ નેટવર્ક જોડાણ વિહોણા ગામોમાં સેલ્યુલર અોપરેટરો માંગી શકશે

~ વાર્ષિક ભાડું જંત્રીના અાધારે 15 ટકાના દરે વસુલવાનું રહેશે: જમીનની લીઝની મુદ્દત 30 વર્ષની રહેશે

મોબાઈલ નેટવર્ક જોડાણ વિહોણા કેટલાક બિનપછાત ગામોમાં સેલ્યુલર અોપરેટરોને ખાસ કિસ્સામાં મોબાઈલ ટાવર પ્રસ્થાપિત કરવા માટે સરકારી પડતર કે ગામતળ જમીન નિમ્નલિખિત શરતોને અાધિન ભાડાપટ્ટે ફાળવવામાં અાવશે.

ગુજરાત સરકારના મહેસુલ વિભાગે અેપ્રિલ માસમાં ઠરાવ કર્યો છે, જેમાં જણાવાયું છે કે, મોબાઈલ ટાવર બાંધકામ કે સ્ટ્રકચર ઊભું કરવા જમીનની માંગણી બાબતે ગામતળની જમીન હોય તો સંબંધિત ગ્રામ પંચાયતની ઠરાવથી સંમતિ મેળવવી પડશે. ગ્રામ પંચાયતે ટ્રાન્સમિશન ટાવર, માળખાના સ્થાપનને કારણે ટાવર અાધારિત વિસ્તાર અેટલે કે ટાવરના ચાર પાયા વચ્ચેના ભાગ જેટલી અને મહત્તમ 200 ચો.મી.ની મર્યાદામાં સરકારી, ગામતળની જમીન વાર્ષિક ભાડું જંત્રી અાધારિત કિંમતના 15 ટકાના દરે વસુલવાનું રહેશેે. જોકે, ભાડાના દર પાંચ વર્ષે સમીક્ષા કરવાની રહેશે.

જમીનની લીઝની મુદ્દત 30 વર્ષની રહેશે. લીઝ હોલ્ડરે બિનખેતી વિષયક અાકાર, રૂપાંતર કર, શિક્ષણ ઉપકર, લોકલ ફંડ વગેરે તમામ ઈતરવેરાઅો સહિત તમામ પ્રકારના કરવેરા, લાયસન્સ ફી, અેસેસમેન્ટ ચાર્જ કે અન્ય જે ચાર્જ અને જી.અેસ.ટી. વેરો લીઝ ભોગવવાના રહેશે. જમીનનો હેતુ ફેર કરી શકાશે નહીં.

ભાડાની રકમ ડી.ડી.અો.ના ખાતામાં જશે
ગામતળની જમીન ભાડે અાપવાના કિસ્સામાં ભાડાથી ઉપજેલ રકમ જિલ્લા વિકાસ અધિકારીના પી.અેલ.અે. અેટલે કે પર્સનલ લેઝર અેકાઉન્ટમાં જમા કરાવવાની રહેશે અને રકમ ગ્રામ પંચાયતને ચુકવવાની રહેશે. જોકે, સરકારી જમીનના કિસ્સામાં સરકારના મુખ્ય સદર 0029 ખાતે અા રકમ જમા કરવાની રહેશે.

24 માસમાં ભાડું ન ભરે તો લીઝ રદ
જમીનનું વાર્ષિક ભાડુ અને લાગુ પડતા ઈતરવેરાઅો અગાઉથી જમા કરાવવાના રહેશે. નિયત તારીખથી 90 દિવસની મુદ્દત પછી 12 ટકા લેખે સાદું વ્યાજ લેવાનું રહેશે. વ્યાજ સહિતનું ભાડું 24 માસમાં જમા કરાવવામાં લીઝધારક નિષ્ફળ જાય તો તેને ફાળવેલો ભાડાપટ્ટો સરકાર હસ્તક દાખલ કરવામાં અાવશે.

Leave a comment