ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકો માટે 2000ની નોટ બદલવાની ગાઈડલાઈન જાહેર કરી

~ ભીડ ના કરશો, લોકો પાસે 4 મહિનાનો સમય છે; ત્યાર પછી પણ 2000ની નોટ લીગલ રહેશે

મંગળવારથી દેશની તમામ બેંકોમાં 2000ની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સોમવારે બેંકો માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં ભીષણ ગરમીને ધ્યાનમાં લેતા બેંકોને લોકો માટે છાંયડો અને પાણીની વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું છે. RBI વધુમાં કહ્યું છે કે બેંક દ્વારા કેટલી નોટો બદલાઈ અને કેટલી જમા થઈ એનો દૈનિક હિસાબ રાખવામાં આવે.

RBIએ 19 મેના રોજ 2000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. RBI એ 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં આવી નોટો બદલવા અથવા ખાતામાં જમા કરાવવા જણાવ્યું છે. બેંકે કહ્યું હતું કે 2000ની નોટ હજુ પણ લીગલ રહેશે.

RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું, “અમે 4 મહિનાનો સમય આપ્યો છે. લોકો આરામથી નોટો બદલે. તાત્કાલિક બેંકમાં જવાનું ટાળો જેથી ભીડ ન થાય. અમે સમયમર્યાદા આપી છે કારણ કે લોકો તેને ગંભીરતાથી લે છે. જે લોકો નક્કી સમયમર્યાદામાં નોટો જમા કરાવી શકશે નહીં, તો તે બાબતનો મે 30 સપ્ટેમ્બર પછી નિર્ણય લઈશું.

SBIએ એક દિવસ પહેલાં ગાઇડલાઇન આપી, કહ્યું- ID જરૂરી નથી
સ્ટેટ બેંકે રવિવારે 2000ની નોટ બદલવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે. ભારતની સૌથી મોટી બેંકે કહ્યું હતું કે નોટ બદલવા માટે કોઈ આઈડીની જરૂર નથી. કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં. એક વખતમાં 10 નોટ બદલી શકાશે.

સ્ટેટ બેંક દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું કારણ કે સોશિયલ મીડિયા પર નોટો બદલવાને લઈને અલગ-અલગ માહિતી આપવામાં આવી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે નોટ બદલવા માટે આધાર જેવું આઈડી જરૂરી હશે અને એક ફોર્મ પણ ભરવું પડશે.

પ્રશ્નોમાં નોટ બદલવાની સમગ્ર પ્રક્રિયાને સમજો.

1. પ્રશ્ન: આ 2 હજારની નોટો ક્યાંથી બદલી શકાય છે?
જવાબ: તમે તમારી નજીકની કોઈપણ બેંક શાખામાં જઈને આ નોટો બદલી શકો છો.

2. પ્રશ્ન: મારી પાસે બેંક ખાતું નથી તેથી હું તેના વગર નોટો બદલી શકું?
જવાબ: હા, તમે કોઈપણ બેંક શાખામાં જઈને નોટો બદલી શકો છો. તે બેંકમાં તમારું ખાતું હોવું જરૂરી નથી. તમે સીધા કાઉન્ટર પર જઈને નોટ બદલી શકો છો. બીજી તરફ, જો તમારું તે બેંકમાં ખાતું છે, તો તમે આ પૈસા તમારા ખાતામાં પણ જમા કરાવી શકો છો.

3. પ્રશ્ન: એક વખતમાં કેટલી નોટો બદલી શકાય છે?
જવાબ: ₹ 2000ની નોટ એક વખતમાં ₹ 20,000ની મર્યાદામાં બદલી શકાય છે. બીજી તરફ, જો તમારી પાસે ખાતું છે, તો તમે 2000ની ગમે તેટલી નોટ જમા કરાવી શકો છો.

4. પ્રશ્ન: શું નોટો બદલવા માટે બેંકને કોઈ ચાર્જ લાગશે?
જવાબ: ના, મની એક્સચેન્જ માટે તમારી પાસેથી કોઇ ચાર્જ લેવામાં આવશે નહીં. તે તદ્દન ફ્રી છે. જો કોઈ કર્મચારી તમારી પાસે આ માટે પૈસા માંગે છે, તો તમે તેની ફરિયાદ બેંક અધિકારી અથવા બેંકિંગ લોકપાલને કરી શકો છો.

5. પ્રશ્ન: જો 30 સપ્ટેમ્બર સુધી નોટો જમા નહીં કરાય તો શું થશે?
જવાબ: ₹2000ની નોટ વ્યવહારો માટે ઉપયોગમાં લેવાનું ચાલુ રાખી શકાય છે અને ચુકવણી તરીકે પણ પ્રાપ્ત કરી શકાય છે. જો કે, આરબીઆઈએ 30 સપ્ટેમ્બર 2023ના રોજ અથવા તે પહેલાં આ બેંક નોટો જમા કરાવવા અથવા બદલવાની સલાહ આપી છે.

6. પ્રશ્ન: આ નવો નિયમ કોને લાગુ પડશે?
જવાબ: આ નિર્ણય બધાને લાગુ પડશે. દરેક વ્યક્તિ જેની પાસે 2000ની નોટ છે તેણે તેને 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકની કોઈપણ શાખામાં જમા કરાવવી પડશે અથવા નોટો બદલાવી લેવી પડશે.

Leave a comment