વિશ્વ હાઇપર ટેન્શન ડે: ૧૭ મે ૨૦૨૩
~ તમારું પ્રેશર માપો,નિયંત્રિત કરો અને લાંબુ જીવો: વિશ્વ આરોગ્ય સંસ્થાની થીમ ૨૦૨૩
હાઇપર ટેન્શન (હાઈ બ્લડપ્રેશર) ઝડપથી વધતી જતી એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે. એક સમયે શહેરી વિસ્તારની આ વ્યાધિ હવે ગ્રામીણ ક્ષેત્રોમાં પણ પગ પ્રસારી ચૂકી છે. જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ, શહેરોમાંથી પાંચ પૈકી એક અને ગ્રામ કક્ષાએ 10 માંથી એક વ્યક્તિને આ રોગ લાગુ પડી ચૂક્યો છે.જી.કે.ના મેડીસીન ઓપીડીમાં આવતા કુલ્લ દર્દીઓ પૈકી ૮૦ ટકા તો હાઇપર ટેન્શનના જ હોય છે.
આ વૈશ્વિક બીમારી સામે લોકોને જાગૃત કરવા દર વર્ષે ૧૭મી મેના રોજ વિશ્વ હાઇપર ટેન્શન દિવસ મનાવવામાં આવે છે. વયસ્કો અને વૃદ્ધોમાં જોવા મળતો હાઈ બ્લડ પ્રેશર હવે યુવાનોમાં પણ દેખાવા લાગ્યો છે. તબીબોના કહેવા મુજબ તાજુબીની વાત તો એ છે કે, ૬0 થી ૭0% વ્યક્તિઓને તો જ્યાં સુધી આ સમસ્યા વધી ન જાય ત્યાં સુધી તો ખબર પણ નથી પડતી.
હાઈ બ્લડપ્રેશર કેમ વધી જાય છે એ અંગે જી.કે.ના મેડીસિન વિભાગના ડૉ. યેશા ચૌહાણે કહ્યું કે, ઉંમર, પારિવારિક ઇતિહાસ, વધુ વજન, જીવનશૈલી, ખાનપાનમાં ગરબડી, નમકનો જરૂર કરતા વધુ ઉપયોગ શરાબ અને ધુમ્રપાન જેવી આદત અને ચિંતાગ્રસ્ત સ્વભાવ મુખ્ય સ્વરૂપે પ્રમુખ કારણ છે. કેટલાકમાં સ્વાસ્થ્યની આંતરિક સમસ્યાને કારણે પણ રક્તચાપ વધી શકે છે.
હાઈ બ્લડપ્રેશર છે એ વાતનો અંદાજ વધુ પસીનો થવો, બેચેની થવી, ઊંઘની સમસ્યા, સ્વભાવ ચીડિયો થવો વગેરેથી આવી શકે છે.ઉપરાંત બી.પી.થી કિડની પણ ડેમેજ થઈ શકે છે. આમ તો એક વાર હાઈ બ્લડપ્રેશર થાય પછી આજીવન રહે છે, પરંતુ ઈલાજથી કંટ્રોલ થઈ શકે છે. જીવનશૈલીમાં બદલાવથી તેને નિયંત્રણમાં લાવી શકાય છે. તબીબોની સલાહ મુજબ દવા લેવી અને તેમાં જાતે બદલાવ કરવો નહીં, અન્યથા આ રોગ હાર્ટ એટેકમાં પરિવર્તિત થઈ શકે છે. તેને નિયંત્રણમાં રાખવા આ ઉપરાંત નમક ઓછું ખાવું, શરાબ અને ધુમ્રપાનનો ત્યાગ કરવો અને એક અધ્યયન મુજબ નિયમિત કસરત,યોગ અને ધ્યાન કરવાથી પણ રાહત મળી શકે છે. વાત વાતમાં ચિંતા કરવાનું ટાળવું.બી.પી.નિયમિત ચેક પણ કરાવવું જેથી અન્ય રોગ હોય તો પ્રકાશમાં આવી શકે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ વર્ષ 2023ની થીમ જારી કરી વિશ્વને સંદેશો આપ્યો છે કે. ‘તમારું પ્રેશર ચોકસાઈથી માપો, નિયંત્રિત કરો અને લાંબું જીવો.’
