~ રાજકોટ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગરમાં 41-44 ડીગ્રી તાપમાન
બાબરા પંથકમાં ગાજવીજ સાથે તોફાની માવઠું : અમરેલી, લાઠી, દામનગર સહિતનાં શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ છવાયો
સૌરાષ્ટ્રમાં બે સપ્તાહ બાદ આજે ફરી વાતાવરણમાં પલ્ટો આવતો જોવાં મળ્યો હતો. આજે ખાસ કરીને અમરેલી જિલ્લામાં ચોમાસા જેવો માહોલ છવાયો હતો અને બાબરા પંથકમાં ધોધમાર વરસાદ પણ વરસી પડયો હતો. બીજી તરફ રાજકોટ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં આજે ૪૧ થી ૪૪ ડીગ્રી વચ્ચે કાળઝાળ ગરમી પણ યથાવત રહી હતી.
સૌરાષ્ટ્રમાં છેલ્લા સપ્તાહથી ૪૪ ડીગ્રી સુધી તાપમાન પહોંચી જતા આકરો ઉનાળો લોકો અનુભવી રહ્યા ત્યારે વધુ એક વખત કમોસમી વરસાદનો માહોલ છવાતો જોવા મળ્યો છે. આજે અમરેલી જિલ્લામાં બાબરા, લાઠી, દામનગર, અમરેલી વગેરે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી કાળઝાળ ગરમી અનુભવાયા બાદ બપોરે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને તેજ પવન ફુંકાવા સાથે આકાશમાં વાદળો છવાયા હતા. આ સાથે બાબરા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી પડયો હતો. બાબરાના નીલવડા, વાવડા અને દરેડ ગામે ગાજવીજ સાથે તોફાની માવઠાથી સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. કમોસમી વરસાદ સાથે અમુક વિસ્તારમાં બરફના કરા પણ પડયા હતા.
બીજી તરફ આજે પણ સૌથી વધુ ભાવનગરમાં ૪૩.પ ડીગ્રી સાથે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. જયારે રાજકોટમાં ૪૧.૩, અમરેલીમાં ૪૧.પ અને સુરેન્દ્રનગરમાં ૪૧.૮ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. અન્ય દરીયાકાંઠાના દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ વગેરે સ્થળોએ ૩૪ ડીગ્રી આસપાસ તાપમાન રહ્યું હતું.
