~ ગ્રીષ્મમાં ચામડી દઝાડતો તાપ આંખોને પણ સંક્રમિત કરી શકે
ગ્રીષ્મમાં ચામડી દઝાળતો તડકો શરીર ઉપર તો વિપરીત અસર કરે છે, પરંતુ આંખો ઉપર પણ એટલી જ અસર કરતો હોવાથી આ મોસમમાં આંખોના દર્દીઓએ ખાસ સંભાળ રાખવી પડે છે. જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં પણ તાપ અને ગરમીને કારણે આંખ સંબંધી દર્દીઓની સારવારની સંખ્યામાં વધારો થયો હોવાનું નેત્ર વિભાગ દ્વારા જણાવ્યું હતું.
હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર આ ઋતુમાં લુ સાથે કચરો પણ ઉડતો હોવાથી આંખની કીકીને પણ નુકસાન કરે છે, જે સરવાળે નજર ઉપર અસર કરે છે. આંખમાં ખંજવાળ આવે છે, પરિણામે સંક્રમણ ઊભું થાય છે અને આખો શુષ્ક(ડ્રાય આઈ) બની જાય છે. અત્રે આવતા આવા દર્દીઓને સારવાર તો આપવામાં આવે છે, પરંતુ તેમને સંભાળ રાખવા પણ ખાસ માર્ગદર્શન આપવામાં આવે છે. હોસ્પિટલના આંખના ડોક્ટર કિંજલ મહેતાના જણાવ્યા મુજબ નેત્ર ચિકિત્સક ડો.કવિતા શાહ અને ડો.અતુલ મોડેસરાના માર્ગદર્શન હેઠળ સારવાર આપવામાં આવે છે.
તબીબોના જણાવ્યા મુજબ ખાસ તો આ ઋતુમાં ગોગલ્સ પહેરવા જોઈએ, જેથી કીકીને નુકસાન થાય નહીં તથા કચરો પણ આંખમાં ન જાય અને દુષ્પ્રભાવથી બચી શકાય. ગરમીમાં આંખો લાલ થઈ જતી હોવાથી આંખની સફાઈ વિશેષ ધ્યાન માંગી લે છે. હાથ અને આંખો વારંવાર ધોવાય એ જરૂર છે. સાથે બરફનો શેક પણ કરી શકાય.
વાયુ પ્રદુષણથી એલર્જી થવાની આશંકા રહે છે. બે થી ત્રણ વાર આંખ ઠંડા પાણીથી ધોવી જોઈએ. ઉપરાંત આ ઋતુમાં આંખો સુકાવા લાગે અને બળતરા થાય તો તે મુજબ ઉપચાર કરવા જોઈએ, તેમાં જો કોઈને અગાઉથી વેલની તકલીફ હોય તો ખટકો વધી શકે છે. તબીબોની સલાહ મુજબ આઈડ્રોપ લેવા જરૂરી છે. આંખોથી બચવા ખાવા પીવા પર પણ ધ્યાન રાખવું જરૂરી છે. ખૂબ પાણી પીવું અને લીલા શાકભાજીવાળા ફળો અને દૂધ ઉત્પાદનનો ખોરાક વધુ ખાવું જોઈએ.
