AVMA શિક્ષણ અને સંસ્કારની સાથે પ્રકૃતિનું જતન કરવામાં પણ અવ્વલ

~ અદાણી વિદ્યામંદિરના તેજસ્વી તારલાઓએ ગ્રીનમોસ્ફિયરના સૌથી વધુ એવોર્ડ્સ જીત્યા

અદાણી વિદ્યામંદિરના પ્રતિભાવાન અને તેજસ્વી તારલાઓએ ફરી એકવાર શાળાનું નામ રોશન કર્યું છે. ગ્રીનમોસ્ફિયર ક્લબ આયોજીત સ્પર્ધામાં AVMAના વિદ્યાર્થીઓએ મહત્તમ એવોર્ડસ જીતી મેદાન માર્યું છે. અમદાવાદ ખાતે આયોજીત આંતરશાળા સ્પર્ધા ‘ધ ગ્રીન મિલેનિયલ્સ’માં સર્વાધિક 29 ટ્રોફી જીતીને પર્યાવરણ જતન ક્ષેત્રે સ્વયંજાગૃતિનું ઉદાહરણ પુરું પાડ્યું છે.

ATGL દ્વારા શરૂ કરાયેલી ગ્રીનમોસ્ફિયર એ લો કાર્બન સોસાયટી માટેની અનોખી પહેલ છે. જેમાં ઊર્જા બચત, કાર્બન ઉત્સર્જન અને કચરાના ઘટાડા માટે અનુરૂપ જીવનશૈલી અને આબોહવા પરિવર્તન અંગે જાગૃતિ ફેલાવવા વિવિધ ઉપક્રમો ચલાવવામાં આવે છે. પર્યાવરણ પ્રશિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં બાલ્યાવસ્થાથી જ પ્રકૃતિનું જતન કરવાના પાઠ શીખવવામાં આવે છે.

પર્યાવરણ અને પ્રકૃતિનું જતન કરવાના ઉદ્દેશથી દર વર્ષે ગ્રીનમોસ્ફિયર ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમો યોજવામાં આવે છે. આ વર્ષે અમદાવાદની 30 નામાંકિત શાળાઓના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં વાર્તા લેખન, કોમિક બુક, પ્રેઝન્ટેશન, એનિમેશન, કવિતા લેખન, સ્લોગન લેખન, ઊર્જાના વિવિધ સ્વરૂપો દર્શાવવા માટે વર્કિંગ મોડલ, ચિત્ર, પોસ્ટર, જેવી રચનાત્મક સ્પર્ધાઓની લગભગ 12 કેટેગરી હેઠળ સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.

પર્યાવરણીય સંરક્ષણ અને જાગૃતિ થીમ આધારિત ડાન્સ – સોલો, ડાન્સ – ગ્રુપ, સ્કીટ, સોલો એક્ટ વગેરે જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. અદાણી વિદ્યામંદિર અમદાવાદના ગ્રીન એમ્બેસેડરોએ 12માંથી 10 કેટેગરીમાં ક્લીન સ્વીપ કરીને નામાંકન મેળવ્યું એ આનંદ અને ગૌરવની ક્ષણ હતી. વિદ્યાર્થીઓની સમજ, સમર્પણ અને સર્જનાત્મકતાથી તેમની પર્યાવરણ સંવર્ધન માટેની પ્રતિબદ્ધતા ઉડીને આંખે વળગતી હતી.

ગ્રીનમોસ્ફિયર પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને ઉર્જા વપરાશ પેટર્નમાં ફેરફાર લાવવા મનોરંજક પ્રવૃત્તિઓ સાથે ઇન્ટરેક્ટિવ શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ સહભાગી પ્રવૃત્તિઓ દ્વારા ઊર્જાના વૈકલ્પિક સ્વરૂપો, પર્યાવરણીય અસરો, ઊર્જાનું સંરક્ષણ, હરિયાળા વિકલ્પોનો ઉપયોગ કેવી રીતે કરવો અને સૌથી અગત્યનું શાળા અને ઘરમાં ઊર્જા વપરાશમાં ઘટાડો કેવી રીતે કરવો તેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. બાળકોને પર્યાવરણ જાળવણીના મહત્વને સમજાવીશું તો, તેમનામાં પર્યાવરણને અનુકૂળ કૌશલ્યનો વિકાસ થશે અને આખરે તે ધરતીને હરિયાળી બનાવવામાં મદદરૂપ થશે.

Leave a comment