~ રોજગાર સંવર્ધન અને મહિલા સશક્તિકરણમાં સર્વશ્રેષ્ઠ કામગીરીને સન્માન
અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનને ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ સોશિયલ ઈમ્પેક્ટ એવોર્ડ 2023નું પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત થયું છે. ACF એ 80 NGO, PSU અને CSR સંસ્થાઓ સાથેની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સતત પાંચમી વખત આ પુરસ્કાર જીત્યો છે. ભારતના વિવિધ રાજ્યોમાં કૌશલ્ય વિકાસ અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે કરેલી અનુકરણીય કામગીરી માટે આ પુરસ્કાર એનાયત થયો છે. આ કાર્યક્રમમાં ઉદ્યોગ, વાણિજ્ય તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી (WB) ડૉ. શશી પંજા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઔદ્યોગિક બ્લોક સાંકરેલમાં બેરોજગારીને નાથવા અંબુજા ફાઉન્ડેશન કૌશલ્ય અને સાહસિકતા વિકાસ સંસ્થાન કાર્યક્રમ હેઠળ ગ્રામીણ યુવાઓમાં કૌશલ્ય વિકસીત કરી રહ્યું છે. જેથી તેઓ આસપાસના ઉદ્યોગોની જરૂરિયાતો મુજબ રોજગારી મેળવી શકે. આ ઉપક્રમમાં 4600 થી વધુ યુવાઓ ઓટોમોબાઈલ, સ્માર્ટફોન રિપેર, ઔદ્યોગિક સિલાઈ, બ્યુટી, રિટેલ અને ગ્રાહક સેવા કૌશલ્ય પ્રશિક્ષણ કેન્દ્રમાંથી સ્નાતક થયા છે.
વળી કૌટુંબિક આવકમાં વધારો કરવા અંબુજા ફાઉન્ડેશને મહિલાઓને સ્વસહાય જૂથો – વ્યક્તિગત અને જૂથ-આધારિત આજીવિકાની તકો માટે સશક્ત કરી છે. ગૃહઉદ્યોગો માટે ઉદ્યોગસાહસિકતાની તાલીમ આપવામાં આવી રહી છે અને માર્કેટિંગ માટે વ્યવસાય કૌશલ્યની ખાસ તાલીમ પણ આપવામાં આવી રહી છે. ACFની ટીમને રોજગાર સંવર્ધન માટે ICC સોશિયલ ઈમ્પેક્ટ જ્યુરી એવોર્ડ જ્યારે તેની ભાટાપરા ટીમને મહિલા સશક્તિકરણ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
અંબુજા ફાઉન્ડેશનના ડિરેક્ટર અને CEO પર્લ તિવારીએ જણાવ્યું હતું કે “ICC સોશિયલ ઈમ્પેક્ટ એવોર્ડથી નવાજવામાં આવતા અમને ગર્વની અનુભૂતિ થાય છે. અમે સમુદાયોમાં અને પરિવર્તન ઝંખતા લોકોમાં વિશ્વાસ રાખીએ છીએ.”
આ ઇવેન્ટનો મુખ્ય હેતુ વિવિધ સંસ્થાઓ અને લોકો દ્વારા કરવામાં આવેલી સામાજિક પહેલોને ઓળખી તેમને નવાજવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત ICCના ભૂતપૂર્વ પ્રમુખ અને MD સંજય બુધિયા, ઑસ્ટ્રેલિયન કૉન્સ્યુલેટ-જનરલ અને ICC ડિરેક્ટર જનરલ ડૉ. રાજીવ સિંહે સમગ્ર ટીમને અભિનંદન પાઠવી તેમની ઉમદા કામગીરીને બિરદાવી હતી.
ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સની પહેલ ICC સોશિયલ ઈમ્પેક્ટ એવોર્ડ્સ સાથે દેશની કોર્પોરેટ સંસ્થાઓ, NGOs અને અમલીકરણ એજન્સીઓ જોડાયેલી છે. જેમાં સામાજિક ઉત્થાન, CSR તેમજ ટકાઉપણાના ક્ષેત્રમાં કરવામાં આવતા ઉત્કૃષ્ટ કાર્યોને નવાજવામાં આવે છે.
