જી.કે.જન.અદાણી હોસ્પિ.ના ક્લિનિક સાયકોલોજીસ્ટ અને મનોચિકિત્સકના ઉપચારથી યુવાનની જિંદગીમાં આવ્યો યુ ટર્ન

~ ડિપ્રેશનમાં સરેલા ૨૨ વર્ષીય યુવાનની ૬ માસની માનસિક સારવારના અંતે જિંદગીની ગાડી પાટે ચડી

ઉગીને સર થતો યુવાન પોતાની જિંદગી સંવારવાનાં સપના જોવાને બદલે સોશિયલ મીડિયા ને રવાડે ચડી આલીશાન જિંદગીની કલ્પના કરવા લાગે અને છેવટે હાથમાં કંઈ જ ન આવે ત્યારે ડિપ્રેશનમાં સરી પડે છે ત્યારે યુવાની ભટકી જાય છે. આવા એક હતાશ-નિરાશ યુવાનની જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના મનોચિકિત્સક વિભાગે તેની યુવાની આડે પાટે ચડી જાય તે પહેલાં જ તેને ન માત્ર હતાશામાંથી બહાર કાઢ્યો પણ એવી મનોવૈજ્ઞાનિક સારવાર આપી કે, આજે એ યુવાનની જિંદગી પાટે ચડી ગઈ છે.     જી.કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સક વિભાગના ક્લિનિકલ સાયકોલોજીસ્ટ કરિશ્મા પારેખે આ યુવાનને સતત છ મહિનાથી વધુ  માનસિક સારવાર આપી તેની જીવનશૈલીને યુ ટન આપી દીધો. કચ્છના રિમોટ વિસ્તારમાંથી સારવાર લેવા આવતા યુવાન અંગે તેમણે કહ્યું કે, એ યુવાન અત્યારે ૨૧ વર્ષનો છે, પણ તે ૧૯ વર્ષથી સોશિયલ મીડિયા જોઈ જોઈને ધનિક બનવાના ખ્વાબ જોતો થઈ ગયો હતો. આવા સતત વિચારને ક્યાંક અસામાજિક પ્રવૃત્તિ પણ કરતો.સરવાળે કંઈ પણ હાથ ના લાગ્યું, એટલે ધીમે ધીમે ડિપ્રેશનમાં જતો રહ્યો. આખો દિવસ ઉદાસ રહેતો અને પોતાને અયોગ્ય માનવા લાગ્યો હતો અને નિરાશ થઈ ગયો હતો. વારંવાર મૃત્યુ અને આત્મહત્યાના વિચાર આવતા હતા. 

સાયકોલોજીસ્ટે વધુમાં કહ્યું કે તે યુવાનનું મગજ ઉમર કરતાં વધુ તેજ ગતિથી ચાલતું હતું.તેનામાં સ્કીલ હતી. તેણે અગાઉ લાંબો સમય ખાનગી હોસ્પિટલમાં દવા લીધી ત્યારબાદ જી.કે. માં આવ્યો, ત્યારે મેજર ડિપ્રેશનનો દર્દી થઈ ગયો હતો. તેની સાથે વાતો કરતા લાગ્યું કે તે અસામાજિક પ્રવૃત્તિ પણ કરતો હતો. તે ખૂબ જ શ્રીમંત થવા માંગતો હતો. તેની શક્તિઓ જાણી અને પછી ધીમે ધીમે સારવાર આપવાનું શરૂ કર્યું. તેનામાં ધરબાયેલી તમામ શક્તિઓનો અને એને પરિચય કરાવ્યો. તેમાં રહેલી સ્કિલનો તબક્કાવાર ઉપયોગ કરવાની માનસિક સારવાર આપી. દવા, લાઈટ થેરાપી, વૈકલ્પિક ઉપચાર અને સાઇકો થેરાપીની મદદથી તેનામાં આત્મવિશ્વાસનો સંચાર કર્યો અને ક્યારેય આત્મહત્યા કે અસામાજિક પ્રવૃત્તિ તરફ ન વળે એવી માનસિક સારવાર આપી કે તેની જિંદગીની દિશા જ બદલાઈ ગઈ.

યુવાન  ભણ્યો તો માત્ર આઠ ચોપડી છે, પણ સારું ટાઈપ કરી શકે છે.હવે ટાઈપિસ્ટ તરીકે  નોકરી પણ કરતો થયો છે. પાર્ટ ટાઇમમાં પોતાના ઝેરોક્ષ વગેરેનો વ્યવસાય પણ કરતો થઈ ગયો છે ડિપ્રેશનમાંથી સદંતર બહાર છે. ઘરના પણ તેનાથી હવે ખુશ છે. 

મનોચિકિત્સક વિભાગના હેડ ડોક્ટર મહેશ તિલવાણી એ જણાવ્યું કે, ડિપ્રેશન માનસિક સારવારથી દૂર થઈ શકે છે. ઘણા ડિપ્રેશનને બીમારી સમજવાને બદલે નસીબ ઉપર છોડી દે છે. ડિપ્રેશનને એક બીમારી સમજી સારવાર લેવી જોઈએ. જી.કે.માં આ બીમારી માટે તમામ રેન્જની દવા ઉપલબ્ધ છે. જ્યારે મનોચિકિત્સક અને આસિસ્ટન્ટ પ્રોફેસર શિવાંગ ગાંધીએ કહ્યું કે, ડિપ્રેશન સામાન્યત: કોઈપણ ઉંમરે થઈ શકે છે. કોઈપણ વ્યક્તિ જિંદગીના કોઈપણ પડાવ ઉપર હતાશા  મહેસુસ કરતી હોય છે, જો તે લાંબી ચાલે અને દિનચર્યાને અસર કરે તો આગળ જતા માનસિક રોગી બની જાય છે.માટે એ યુવાનની માફક સારવાર લેવી જોઈએ.

Leave a comment