પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતમાં સૈન્ય શાસન લાગુ કરવાનો લેવાયો નિર્ણય

~ ઈમરાન ખાનની ધરપકડ બાદથી પાકિસ્તાનમાં સ્થિતિ અનિયંત્રિત થઈ ગઈ છે

~ ઈમરાન ખાને કહ્યું – મને મારી નાખવાનું કાવતરું ઘડાયું

પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈસ્લામ પાર્ટીના વડા ઈમરાન ખાનની ધરપકડ બાદથી પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈમરાન ખાનના સમર્થકો માર્ગો પર ઊતરી આવ્યા છે અને સમગ્ર પાકિસ્તાનમાં તેના લીધે કલમ 144 લાગુ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિતિને કાબૂ બહાર જતી જોઇને સરકાર દ્વારા અહીં સૈન્ય શાસન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલે કે હવે આ રાજ્યમાં કાયદો અને શાસનની વ્યવસ્થાની અમલ કરાવવાની જવાબદારી સૈન્યના માથે છે.  તેની સાથે એવા પણ અહેવાલ છે કે ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતમાં પણ સૈન્ય શાસન લાગુ કરવા માટે પાકિસ્તાનની સરકારે સૈન્યને અનુરોધ મોકલી દીધો છે. હવે ત્યાં પણ સૈન્ય શાસનની સ્થિતિ જોવા મળી શકે છે. 

ઈમરાન ખાને કહ્યું – મને મારી નાખવાનું કાવતરું રચાયું છે 

બીજી બાજુ ઈમરાન ખાનનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ લોકોએ મને છેલ્લા 24 કલાકથી વૉશરૂમ પણ જવા દીધો નથી. તેઓ મને મારી નાખવાનું કાવતરું ઘડી રહ્યા છે. મને ધીમે ધીમે મારી નાખવાનો ઈન્જેક્શન આપી શકે છે. તેઓ મને મક્સુદ ચપરાસીની જેમ મારી શકે છે. ઈસ્લાબાદ હાઈકોર્ટમાં ઈમરાન ખાને આ ટિપ્પણી કરી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોની ધરપકડ થઇ ચૂકી છે.

Leave a comment