~ નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ તેમજ અન્ય સંસ્થાનો ફાળો મહત્વનો
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં વીતેલા એપ્રિલ માસમાં બ્લડબેન્ક દ્વારા કુલ 1191 યુનિટ અર્થાત ૪ લાખ ૧૬ હજાર ૮૫૦ સીસી બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. પરિણામે હોસ્પિટલની દર મહિનાની સરેરાશ ખપતને આસાનીથી પરિપૂર્ણ કરી શકાય હતી. આ એકત્રિકરણમાં સ્થાનિક બ્લડબેન્કની ઈનહાઉસ સિસ્ટમ તેમજ ભુજ ખાતે નરનારાયણદેવ શતાબ્દી મહોત્સવ નિમિત્તે આયોજિત રક્તદાન કેમ્પનો ફાળો મુખ્ય હતો.
જી.કે.ની બ્લડ બેન્કના હેડ ડોક્ટર જીજ્ઞાબેન ઉપાધ્યાયે કહ્યું કે, સ્થાનિક બ્લડ બેન્કમાં ૩૪૮ યુનિટ લોહી જુદા જુદા શહેરીજનોએ આપ્યું હતું. પરંતુ, ભુજમાં નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ બદ્રીનાથધામ ખાતે યોજાયેલા મેગા રકતદાન કેમ્પે આ મહામૂલા કાર્યમાં મહત્વનું યોગદાન આપ્યું હતું .આ ઉપરાંત એચ.જે.ડી. ઇન્સ્ટિટ્યૂટ કેરા અને મહાવીર નગર યુવક મંડળે સ્વર્ગસ્થ પ્રવિણસિંહ સોઢાની પુણ્યતિથિ અવસરે મિત્રો મારફતે યોજાયેલા કેમ્પમાં પણ સુંદર સહકાર મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહાવીર નગર યુવક મંડળ દ્વારા મિત્રાંજલી સ્વરૂપે સતત ૯ વર્ષથી આ પ્રકારનો રક્તદાન કેમ્પ યોજી અનુકરણીય ઉદાહરણ પૂરું પાડે છે, એમ જી.કે. બ્લડ બેન્કના કાઉન્સિલેર દર્શન રાવલે જણાવ્યું હતું. મેગા કેમ્પ તેમજ વિવિધ સ્થળે યોજાયેલા કેમ્પમાં હોસ્પિટલના પેથોલોજી વિભાગના સિની. રેસિડેન્ટ ડોક્ટર પૂજા કાથરોટીયા, રેસિ. ડૉ.મેહુલ ચોક્સી, ડૉ. વિભા પટેલ, ડૉ. રિદ્ધિ યાદવ તેમજ ડો.કિંજલ કરમટા અને તમામ લેબોરેટરી ટેક્નિશિયન ની ભૂમિકા રહી હતી.
વર્તમાન મે માસમાં પણ વધુ ને વધુ કેમ્પનું આયોજન કરાશે. ૨૧ મે ના રોજ માંડવી તાલુકાના દહિંસરા ખાતે સેંઘાણી પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે. હોસ્પિટલના ગાયનેક, સર્જરી, ઇમર્જન્સી અને ખાસ કરીને થેલેસેમિયા તથા ડાયાલિસિસ સહિત વિવિધ વિભાગોમાં બ્લડ પૂરું પાડવામાં આવ્યું હતું.
