~ સુરત કોર્ટે રાહુલ ગાંધીની ટિપ્પણીના કેસમાં 23 માર્ચે ચુકાદો આપ્યો હતો
~ પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો
ગુજરાત હાઈકોર્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સુરત સેશન્સ કોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર આજે સુનાવણી થશે. સુરતની કોર્ટે મોદી અટક સંબંધિત ટિપ્પણીને લગતા માનહાનિના કેસમાં તેમની સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ રાહુલે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. આ મામલામાં એક ન્યાયાધીશે પોતાને અલગ કર્યા બાદ હવે આ કેસની સુનાવણી નવા જજ દ્વારા કરવામાં આવશે.
સુરત કોર્ટે ચુકાદો આપ્યો હતો
સુરત કોર્ટે 2019માં મોદી અટક અંગે રાહુલ ગાંધીની ટિપ્પણીના કેસમાં 23 માર્ચે ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેને કલમ 504 હેઠળ બે વર્ષની જેલની સજા ફટકારી છે. જો કે કોર્ટે નિર્ણયને અમલમાં મૂકવા માટે થોડા દિવસનો સમય પણ આપ્યો હતો. આ સાથે તેમને તાત્કાલિક જામીન પણ આપવામાં આવ્યા હતા. રાહુલે સુરત કોર્ટમાં ત્રણ અરજીઓ પણ કરી હતી, જેમાંથી એક અરજી કોર્ટે ફગાવી દીધી હતી અને બીજી અરજીની સુનાવણી 3 મેના રોજ થવાની છે.
પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો
વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘બધા ચોરોની અટક મોદી કેમ હોય છે?’ જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. રાહુલ વિરુદ્ધ IPC કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
