અદાણી મેડિકલ કોલેજના કૉમ્યુનિટી ડિસીઝ વિભાગ મારફતે વિશ્વ મલેરિયા દિ’ને સંદેશ

~ સ્વચ્છતા રાખવાથી મલેરિયાયાને કાબૂમાં રાખી શકાય

મચ્છર અને મલેરિયા પરસ્પરના પૂરક છે.ખાસ કરીને એનોફિલિશ માદા મચ્છર આ રોગનો મુખ્ય વાહક છે. મચ્છરોમાં જોવા મળતો પ્લાસમોડિયમ સૂક્ષ્મ પરોપજીવી જંતુ મલેરિયાનું મુખ્ય કારણ છે. આ મચ્છરો ખાસ કરીને સ્વચ્છ પાણીમાં ઈંડા મૂકે છે, જે મચ્છર બનીને માનવીને કરડે છે. આજુબાજુ કોઈને મલેરિયા હોય તો તેનું જોખમ વધી જાય છે, માટે પાણી જમા ન થાય અને આસપાસ સ્વચ્છતા રાખવાનો સંદેશ અદાણી મેડિકલ કોલેજના કૉમ્યુનિટી ડીસીઝ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે.

        મેડિકલ કોલેજના પ્રોફેસર ડોક્ટર  ઋજુતા કાકડેએ કહ્યું કે, આપણે ત્યાં બે પ્રકારના મલેરીયા જોવા મળે છે. એક  પીવી અને બીજો પીએફ જેને મગજના તાવ પણ કહે છે. આ બંને માંથી કયો તાવ છે તેની જાણ લોહીની ચકાસણીથી થાય છે. 

        પ્રારંભિક લક્ષણો અંગે ડોક્ટર ઋજુતા કાકડેએ જણાવ્યું હતું કે, શરદી સાથે તાવ એ મલેરિયા નું સામાન્ય લક્ષણ છે. માથામાં દુખાવો, ચક્કર આવવા, પસીનો થવો, ઉલટી,શરીરમાં દુખાવો તેમ જ એકાંતરે ઠંડી સાથે તાવ આવે છે. જો તાવના વાયરા હોય તો તેના ફેલાવવાની શક્યતા પ્રબળ બની જાય છે. ગરમીમાં પણ તેનો પ્રકોપ વધી જાય છે, તેથી સફાઈ રાખવી આવશ્યક બને છે.

        રક્ષણ અને બચાવ અંગે ડોક્ટરના જણાવ્યા મુજબ, મચ્છર કરડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. પૂરી દવા લેવી. ખાસ કરીને સૂતી વખતે મચ્છર ન કરડે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ત્વચા ઢાંકવા લાંબીબાંયના શર્ટ પહેરવા આવશ્યક છે. ખાસ કરીને ઘરની આસપાસ પાણી એકત્રિત ન થાય તેનું ધ્યાન રાખવાનું મહત્વ વિશેષ હોય છે.

Leave a comment