જી.કે.જન. અદાણી હોસ્પિ. માં સચોટ નિદાન માટે માઇન્ડ્રે ડીસી ૮૦ ઉપકરણ વસાવાયું

~ આ સાધન દ્વારા રોગનું મૂલ્યાંકન સાથે તબીબી વિદ્યાર્થીઓને પણ સંશોધન કરવાની તક

જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના  રેડિયોલોજી વિભાગમાં રોગની વ્યાપક તપાસ અર્થે આવનાર દર્દીઓ માટે પ્રવર્તમાન જરૂરી ઉપકરણોની સગવડો ઉપરાંત વધુ એક અતિ આધુનિક માઇન્ડ્રે ડીસી૮૦ સાધન ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે, જેના દ્વારા દર્દીના રોગગ્રસ્ત ભાગોનું સચોટ નિદાન, તબીબી વિશ્લેષણ અને ચોક્કસ મૂલ્યાંકન કરી શકાશે જેનો ફાયદો કચ્છના દર્દીઓને થશે.

જી.કે.ના રેડિયોલોજી વિભાગના હેડ ડોક્ટર ભાવિન શાહના જણાવ્યા અનુસાર, સાધનથી તબીબોની નિદાન ક્ષમતામાં વધારો થશે. ઉદાહરણ  આપતા તેમણે કહ્યું કે, એક એવું ઈલાસ્ટ્રોગ્રાફી સાધન છે, જેનાથી લીવરની ઊંડાણપૂર્વક ચકાસણી થઈ શકે છે. જેમ કે, લીવરના ફાઇબ્રોસિસનું આંકલન તેમજ લીવરમાં ચરબીનું પ્રમાણ જાણી શકાય છે. સિવાય સ્તનની ગાંઠ, થાઈરોઈડની ગાંઠનું સચોટ એનાલીસિસ પણ થઈ શકે.

રેડિયોલોજી  વિભાગના અન્ય તબીબ  ડોક્ટર શિવમ કોટકે કહ્યું કે, મશીનમાં રહેલા ૩ડી.૪ડી સોનોગ્રાફી સિસ્ટમની મદદથી ગર્ભસ્થ બાળકના ચહેરાના આકૃતિ તેમજ હાથ પગની  રચનાનો પણ અભ્યાસ થઈ શકશે વળી તેમાં સ્પેક્ટ્રમ સાઉન્ડ ઇમેજીંગ હોવાથી  વિસ્તૃત તબીબી માહિતી મળી શકશે. તમામ સગવડો નિદાન અને ઉપચાર માટે વધુ ઉપયોગી પુરવાર થશે. ઉપરાંત અદાણી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ અભ્યાસમાં અભિરુચિ કેળવી નવા સંશોધન કરી શક્શે.

Leave a comment