~ IPL 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી
IPL 2023માં ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ચેન્નઈનો હૈદરાબાદ સામે 7 વિકેટ વિજય થયો હતો. ચેન્નઈના ફેન્સ દ્વારા મળેલા પ્રેમ અને સપોર્ટને જોઈ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભાવુક થઈ IPLમાંથી નિવૃત્તિ લેવાનો સંકેત પણ આપ્યો હતો.
IPL 2023માં ગઈકાલે મેચ પુરી થયા બાદ ધોનીએ કહ્યું કે બે વર્ષ બાદ દર્શકોને અહીં મેચ જોવાનો મોકો મળ્યો છે અને તેમની સામે રમવું ખુબ જ ખાસ છે. આ મારા કરિયરનો અંતિમ પડાવ છે. અહીં રમવું મને સારું લાગે છે. દર્શકોએ અમને ઘણો પ્રેમ આપ્યો છે. ધોનીએ વધુમાં કહ્યું કે બેટિંગ કરવાનો વધુ મોકો નથી મળી રહ્યો પરંતુ તેના વિશે મને કોઈ ફરિયાદ નથી. અહીં હું પ્રથમ ફિલ્ડિંગ વિશે અચકાયો હતો કારણ કે મને લાગ્યું કે મેદાનમાં વધારે ઝાકળ નહીં હોય. અમારા સ્પિનરોએ અને ફાસ્ટ બોલરોએ સારી બોલિંગ કરી હતી.
હૈદરાબાદની હાર માટે બેટ્સમેનો જવાબદાર-માર્કરમ
સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરમે હાર માટે બેટ્સમેનોને જવાબદાર ગણાવ્યા હતા. તેણે કહ્યું હતું કે હારવું ક્યારેય સારું નથી હોતું પરંતુ બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. અમે સારી પાર્ટનરશીપ બનાવી શક્યા નહીં. આ વિકેટ પર 130નો સ્કોર સારો ન હતો. તેણે વધુમાં કહ્યુ હતું કે અમારી ટીમે 160 રન બનાવવાની જરુર હતી.
ચેન્નઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી
ચેન્નઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાના શાનદાર પ્રદર્શન બાદ ડેવોન કોનવેના 57 બોલમાં અણનમ 77 રનની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદને સાત વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદ સાત વિકેટના નુકશાને 134 રન જ બનાવી શકી હતી. આના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સે ત્રણ વિકેટના નુકશાને 138 રન બનાવ્યા હતા. આ જીત સાથે ચેન્નઈની ટીમ IPL 2023ના પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગઈ છે.
