જી.કે.જનરલ અદાણી હોસ્પિ. માં એપ્રિલના પ્રારંભે સર્પદંશના છ કિસ્સા જોવા મળતા કરાઈ સફળ સારવાર

~ તાપમાન વધતાં સર્પદંશના બનાવો વધવા લાગે છે

~ સાપ કરડવાની ઘટનામાં નુસખા અપનાવવાને બદલે તાત્કાલિક નજીકના દવાખાને પહોંચવાની તબીબોની સલાહ

શિયાળો ઓસરે અને ઉનાળો શરૂ થાય એ સાથે જીવજંતુઓની ભરમાર વધવા લાગે છે. ખાસ કરીને સાપ કરડવાના બનાવો વધુ જોવા મળે છે.જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં એપ્રિલ માસના પ્રારંભે સર્પદંશના છ દર્દીઓને સારવાર આપી ઈલાજ કરવામાં આવ્યો છે. જેમાં, એક વૃદ્ધા સહિત અન્ય પાંચ યુવાનોનો સમાવેશ થાય છે.

હોસ્પિટલના ઇમર્જન્સી  વિભાગમાં ગત માર્ચમાં પણ બે કેસ જોવા મળ્યા હતા, પરંતુ હવે સૂર્યનારાયણના પ્રખર તાપને કારણે ગરમી વધતા સાપ કરડવાની  ઘટના ખાસ કરીને ગ્રામ વિસ્તારોમાં વધુ જોવા મળે છે. સામાન્ય રીતે  બિનઝેરી સર્પ કરડે તો જીવલેણ પુરવાર ન થાય,  પરંતુ તેને પણ ગંભીરતાથી લઈ સારવાર કરવામાં આવે છે, જેથી સર્પદંશ પછીની કોઈપણ આડઅસર નિવારી શકાય,એમ મેડીસીન વિભાગના ડૉ.યેશા ચૌહાણ અને ઇમરજન્સી વિભાગના ડૉ.અશોક ઝીલડિયાએ જણાવ્યું હતું. 

તબીબોનું કહેવું છે કે, સર્પદંશના બનાવમાં કોઈ  લાપરવાહી રાખવી જોઈએ નહીં. તુરંત જ દર્દીને નજીકની હોસ્પિટલમાં પહોંચતા કરી સારવાર અપાવવી જોઈએ. પરંપરાગત રીતે કરાતા સર્પદંશના ઈલાજથી તો બચવું જ જોઈએ. 

હોસ્પિટલ પહોંચાય ત્યાં સુધી પ્રાથમિક ઉપચારમાં સર્પ કરડવાની જગ્યાને ડેટોલ અથવા ગરમ પાણીથી સાફ કરવું જોઈએ. ડેટોલ ન હોય તો સાબુથી ડંખની જગ્યા ધોઈ શકાય. સર્પદંશના ભાગને હલાવવું નહીં. બનાવ પછી સાપને પકડવાની કોશિશ કે તેને મારવાને બદલે  જવા દેવો જોઈએ. જાતે કોઈ દવા ન કરાય. વિશેષજ્ઞોનું માનવું છે કે,સામાન્ય રીતે  ઉઘાડા પગે ચાલનારમાં સર્પદંશ વધુ જોવા મળે છે. મોટાભાગના કિસ્સા ઘૂંટણ નીચેના ભાગમાં જોવા મળે છે. માટે ખેતર અથવા વાડી વિસ્તાર કે વન- વગડામાં તેમજ પાણીમાં કામ કરનારે ઘૂંટણ સુધીના ગમસૂઝ પહેરવા જોઈએ. 

સર્પદંશથી દર્દીને ગભરાટ થાય છે, પરંતુ એ ગભરામણ કરડવાથી નહીં પણ ડરને કારણે થતી હોય છે. પરંતુ, જો ઝેરી સાપ કરડે તો દર્દી ઉપર અલગ જ લક્ષણ જોવા મળે છે. જેમાં, કરડવાની જગ્યાએ છેદ થઈ જાય છે.આસપાસનો ભાગ લાલ બની જાય છે. ડંખની જગ્યાએ તેજ દર્દ પણ થાય, તરસ લાગે, ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ પણ થાય, માંસપેશીઓ શિથિલ થઈ જાય, રક્તસ્ત્રાવ થવા લાગે તેવી પરિસ્થિતિમાં પીડિતને  આશ્વાસન આપવું જોઈએ અને તાત્કાલિક હોસ્પિટલ ની સારવાર લેવી જોઈએ.

Leave a comment