~ ગોરા થવાની ઘેલછા સરવાળે ત્વચાને વધુ બગાડી શકે
સર્જનહારે બક્ષેલી મૂળ અને મૌલિક ત્વચાને બદલે માનવી ગોરા બનવા માટે જાતભાતના પ્રયોગો ચામડી ઉપર કરે છે આ ઘેલછા સરવાળે હાનિકારક પુરવાર થાય છે એમ જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના સ્કિન વિભાગના તબીબોએ ૬ એપ્રિલના રોજ ઉજવાતા વિશ્વ સ્કિન હેલ્થ ડે નિમિતે દર્દીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું.
આ દિવસે ઓ.પી.ડી.માં આવેલા દર્દીઓને વ્યક્તિગત અને પોસ્ટરો મારફતે માર્ગદર્શન આપતા ડૉ.જૂઈ શાહે જણાવ્યું હતું કે,પ્રત્યેક વ્યક્તિને તેના શારીરિક બંધારણ મુજબ જ કુદરતે ત્વચાનું નિર્માણ કર્યું હોય છે.ગોરી ત્વચા જ કંઈ સુંદરતાની નિશાની નથી.કોઈપણ ચામડી સાફ સુથરી અને ધબ્બા વગરની હોય અને સાંવલી હોય તો પણ ખૂબસૂરત હોય છે.
તેમ છતાં જેવી ચામડી છે,તેને આરોગ્યપ્રદ અને ચમકતી રાખી શકાય તે માટે તબીબોએ જણાવ્યું કે,ત્વચાને શક્ય હોય ત્યાં સુધી ગરમીમાં સૂર્યપ્રકાશ સામે રક્ષણ આપવું જોઇએ.આંખ નીચે કાળા દાગ ના પડે એ માટે ગોગલ્સ પહેરવા,ઠંડીમાં પણ વધુ તડકામાં બેસવું નહીં.ચામડીને ગ્લો આપવા સફાઈ ખૂબ જરૂર છે.પ્રદૂષણ અને વાતાવરણને કારણે કચરો ઉપરાંત બેક્ટેરિયા અને ફંગસ ચામડીને નુકસાન કરે છે.જો નિયમિત સફાઈ થાય તો ચામડીના અનેક રોગથી બચી શકાય છે, એમ સીની રેસિ. ડૉ.દિપાલી વાડુકુલ અને ઐશ્વર્યા રામાણીએ જણાવ્યું હતું.
ચામડીના રક્ષણ માટે જરૂર પડે મોસ્ચરાઈઝડનો ઉપયોગ કરી શકાય જે કુદરતી હોય તો વધુ ફાયદારૂપ બને છે.વર્તમાન સમયમાં સમજ્યા વિના ઘણા સ્ટીરોઇડનો ઉપયોગ કરે છે આવા કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતાં પહેલાં તબીબની સલાહ લેવી જરૂરી છે.એમ ડૉ.કૃણાલ દુધાત્રા, ડૉ.માનસી પટેલ, ડૉ.મીરા પટેલ અને પ્રેરક કથીરીયાએ કહ્યું હતું.
વર્ષ ૨૦૨૩માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચામડીની કાળજી માટે લોકોમાં જાગૃતિ આવે એ માટે ખાસ થીમ આપી છેવાડાના વિસ્તારો સુધી પહોંચી લોકોને જાગૃત કરવા માટે ભાર મૂક્યો છે.
