જી.કે.જન.અદાણી હોસ્પિટલના ગાયનેક વિભાગે કરી સફળ શસ્ત્રક્રિયા

~ અધૂરા મહિને પ્રસૂતિ અને ગર્ભાશયની જટિલ ખરાબીથી અવિરત વહેતું લોહી શસ્ત્રક્રિયા અને ઘનિષ્ઠ સારવારથી બંધ થતાં પ્રસૂતા બચી ગયાં

જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં ગર્ભાશયની અનેક જટિલતા અને અધૂરા મહિને થયેલી પ્રસુતિને કારણે પુષ્કળ લોહી વહેતા ગંભીર હાલતમાં મુકાયેલી મહિલાને ઓપરેશન અને  સઘન સારવારના અંતે જીવતદાન મળ્યું હતું.

જી.કે.ના સ્ત્રીરોગ વિભાગના તબીબોના જણાવ્યા અનુસાર  મુન્દ્રા તાલુકાના રતાડિયા ગામના ૩૫ વર્ષીય બચીબેનને એક ખાનગી હોસ્પિટલમાંથી અહીં લાવવામાં આવ્યા ત્યારે સતત લોહી નીકળતું હતું.કારણકે,ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી થઈ એ ચોથી પ્રસૂતિ હતી.જે ૬ઠ્ઠા મહિને થઈ હતી.પરંતુ મેલીનો ભાગ છુટો નહોતો પડ્યો અને અવિરત લોહી ચાલું હતું.વળી અગાઉ ત્રણ ડિલિવરી સીજેરિયન દ્વારા કરાઇ હતી.તેમનું વજન ૧૦૫ કિલો જેટલું હતું.

સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ.સુરભી આર્યના જણાવ્યા મુજબ ખૂબ લોહી વહી જવાને કારણે દર્દીની હાલત નાજુક હતી તેથી  તાત્કાલિક ઓપરેશન શરૂ કર્યું.    ગર્ભાશયની હાલત પણ અનેક રીતે ખરાબ હતી તે ફાટી ગયું હતું.  પેટ સાથે પણ તે ચોંટી ગયું હતું.પ્રથમ એ છૂટા કર્યા.ત્યારબાદ મેલીનો ભાગ અગાઉના ટાંકા સાથે અને પેશાબની કોથળી સાથે ચોંટેલું હોવાથી એ ભાગ અલગ કર્યા.લોહી વધુ ના વહે એ  માટે છેવટે ગર્ભાશયની કોથળી જ દૂર કરી દેવામાં આવી.ગર્ભાશયની  ગૂંચવણ આ રીતે ઉકેલાઈ ગઈ પણ લોહીની આપૂર્તિ માટે મહિલાને ઓપરેશન દરમિયાન અને પછી બ્લડના અને સફેદકણના કુલ્લ ૨૨ બોટલ ચડાવવામાં આવ્યા હતા.દરમિયાન દર્દીને આઇ.સી.યુ.માં રાખી એન્ટીબાયોટિક સારવાર આપી ઘાવ ભરી દેતા છેવટે મહિલા બચી ગયાં.

આ સારવારમાં ડૉ.વિન્સી ગાંધી, ડૉ.પ્રતિમા તેમજ એનેસ્થેટીક ડૉ.ખ્યાતિ મકવાણા અને નર્સિંગ બ્રધર્સ અને સ્ટાફ જોડાયા હતા.

Leave a comment