ઘોઘા – હજીરાની રો-રો સર્વિસ મારફતે 12 કલાક વહેલા પહોંચતા પોસ્ટ આર્ટિકલ્સ : ગત સપ્તાહ દરમિયાન 30 ટન પોસ્ટ આર્ટીકલનું સમુદ્ર માર્ગે કરાયું પરીવહન : અમરેલી, જુનાગઢ, પોરબંદર બાદ રાજકોટ – ગોંડલની ટપાલો પણ દરીયાઈ માર્ગે મોકલવાનો તખ્તો તૈયાર
એક સમયે ધીમી ગતિએ આગળ વધતું ટપાલતંત્ર હવે આધુનિકતાની સાથે ઝડપભેર જેટ ગતિએ આગળ વધી રહ્યું હોય તે પ્રકારે ટપાલ પરીવહનની સેવાઓ વિસ્તારી રહ્યું છે. સમગ્ર સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર ગણાતા રાજકોટના ઢગલાં થતા હોય છે. શહેરમાં દરરોજ 2200 પોસ્ટ આર્ટીકલ તો સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. ઓનલાઈન ટ્રાફિક ટ્રેકિંગની સુવિધાને કારણે સ્પીડ પોસ્ટની સેવા વધુ ઉપયોગી બની રહી છે. એ જ રીતે પોસ્ટલ તંત્ર દ્વારા ટપાલ સેવાને ઝડપી સેવાને ઝડપી બનાવવા માટે સૌરાષ્ટ્રમાંથી સુરત સહિતના વિસ્તારોમાં ટપાલ પહોંચાડવા માટે ઘોઘા – હજીરાની રો-રો સર્વિસનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેના કારણે પોસ્ટનાં આર્ટીકલ 12 કલાક પહેલા પહોંચે છે.
ટેકનોલોજીના ક્ષેત્રમાં જે પ્રકારના અધુનિક પરીવર્તન આવ્યા છે એ જ પ્રકારે ઝડપી યુગમાં સંદેશાવ્યવહારનાં સાધનો પણ ટપાલ સેવામાં ખુબ ઉપયોગી પુરવાર થયા છે. પોસ્ટલતંત્રના સુત્રોએ આધુનીક ટપાલ સેવાની વિગતોના સંદર્ભમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે ટપાલનું પરીવહન રેલવેની પોસ્ટલ મેઈલ સર્વિસ દ્વારા થયું હોય છે. એક સ્થળેથી બીજા શહેરોમાં મોકલવામાં આવતી ટપાલો બીજા કે ત્રીજા દિવસે પહોંચતી હોય છે. આ ટપાલ સેવા ઝડપી બને તે માટે સ્પીડ પોસ્ટની સેવા રાજકોટની પોસ્ટ ઓફિસને ફળી છે. જેના કારણે વર્ષ 2021-22માં રાજકોટ રીજીયનમાંથી જે 10 લાખ 38,000 આર્ટીકલ સ્પીડ પોસ્ટ મારફતે મોકલવામાં આવ્યા હતા. તે વર્ષ 2022-23 માં વધીને 13 લાખ 89,000 ને આંબી ગયા છે. આગામી દિવસોમાં હજુ તેમાં વધારો થશે. સ્પીડ પોસ્ટ જેવી જ માફક ટપાલ ઝડપથી મોકલવા માટે સમુદ્ર માર્ગનો સદ્ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્યારે પોરબંદર, જુનાગઢ, અમરેલી અને ભાવનગર વિભાગના પોસ્ટ આર્ટીકલ ઘોઘા – હજીરાની રો-રો સર્વિસ મારફતે સુરત પહોંચાડવામાં આવે છે. ગત સ્પ્તાહ દરમિયાન પાર્સલ, પોસ્ટ આર્ટીકલ સહિતના 30 ટન જેટલા આર્ટીકલનું સમુદ્ર માર્ગે પરીવહન કરવામાં આવ્યું હતું.
દરરોજ 3 ટનથીવધુ આર્ટીકલ સમુદ્ર માર્ગે સુરત પહોંચાડવાથી પોસ્ટ આર્ટીકલ લોકોને 12 કલાક વહેલા વહેલા મળી શકે છે. તે હવે પ્રસ્થાપિત થઈ જતા રાજકોટ અને ગોંડલ વિસ્તારના પોસ્ટના આર્ટીકલ પણ રો-રો સર્વિસ મારફતે લોકોને પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઘોઘા ખાતે આ કામ માટે ખાસ શોર્ટિંગ સ્ટાફની વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું પોસ્ટલ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
