~ અજય બંગા નાણામંત્રી અને વિદેશમંત્રી સાથે પણ મુલાકાત કરશે
~ વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે અજય બંગાને જો બિડેન દ્વારા નોમિનેટ કરાયા હતા
વિશ્વ બેંકના પ્રમુખ પદ માટેના યુનાઇટેડ સ્ટેટ્સના ઉમેદવાર બે દિવસીય રાષ્ટ્રીય રાજધાનીની મુલાકાત માટે આવ્યા છે. તે પીએમ અને નાણામંત્રી તેમજ વિદેશ મંત્રી સાથે બેઠક કરશે અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે અજય બંગાને યુએસ પ્રમુખે નોમિનેટ કર્યા હતા.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે યુનાઇટેડ સ્ટેટ્સના ઉમેદવાર અજય બંગા દિલ્હીની બે દિવસની મુલાકાતે આવ્યા છે. તેઓ આજથી બે દિવસ સુધી રાષ્ટ્રીય રાજધાનીની મુલાકાત લેશે. તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ. જયશંકરને પણ મળશે. તેની સાથે વિવિધ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
અજય બંગા ફાયનાન્સ એન્ડ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ છે
વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે તેમના નામાંકનની જાહેરાત થયાના થોડા જ સમયમાં ભારત સરકારે બંગાની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું. અજય બંગા લાંબા સમયથી ફાઇનાન્સ અને ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ છે અને હાલમાં તેઓ યુએસના નાગરીક પણ છે.
જો બિડેન દ્વારા અજયને પસંદ કરવામાં આવ્યા હતા
વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે અજય બંગા સિવાય અન્ય કોઈએ દાવેદારની જાહેરાત કરવામાં આવી નથી. બીજા વિશ્વયુદ્ધના અંતથી વિશ્વ બેંકનું નેતૃત્વ એક અમેરિકન દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનું નેતૃત્વ એક યુરોપીયન કરે છે. યુએસ પ્રમુખ જો બિડેને ગયા મહિને ડેવિડ માલપાસના સ્થાને 63 વર્ષીય અજય બંગાને નોમિનેટ કર્યા હતા.
અજય ડેવિડ માલપાસની જગ્યા લેશે
ક્લાયમેટ ચેન્જ પર વૈજ્ઞાનિક સર્વસંમતિને સમર્થન આપવામાં તેમની પ્રારંભિક નિષ્ફળતાના વિવાદના મહિનાઓ પછી ડેવિડ માલપાસે રાજીનામું આપ્યુ હતું. અજય બંગા ભારતમાં વિશ્વ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી વ્યાવસાયિક કૌશલ્ય વિકાસ સંસ્થાની પણ મુલાકાત લેશે.
