~ નખત્રાણા તાલુકાના કેટલાક ગામોમાં કરાનો તોફાની વરસાદ, અંજારમાં બે ઇંચ, ખાવડા વિસ્તારમાં સાંજે દોઢથી બે ઇંચ કમોસમી વરસાદ, માંડવી, મુન્દ્રા, લખપત પંથકમાં પણ હાજરી
છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાં સર્જાયેલા હળવા દબાણના પગલે કચ્છમાં કિસાનો પર માવઠા રૂપી આફત વરસી રહી છે. સોમવારે સતત ચોથા કમોસમી વરસાદે હાજરી પૂરાવી હતી. સવારથી બપોર સુધી તાપ બાદ જાણે ઋતુના ચક્રમાં આવી ગયું હોય તેમ મોટા ભાગના કચ્છમાં માહોલ ગોરંભાયો હતો. નખત્રાણા તેમજ લખપત તાલુકામાં જાણે અષાઢ મહિનો હોય તેમ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને કરા તેમજ ઝાપટા સાથે પાણી વરસ્યું હતું. અંજારમાં બે ઇંચ ખાબકયો હતો. માંડવી, મુન્દ્રા, લખપત તાલુકાના કેટલાક ગામોમાં પણ હળવા ઝાપટાં પડ્યા હતા.
ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં સાંજે દોઢથી બે ઇંચ કમોસમી વરસાદ ખાબકતાં ધરતીપુત્રોમાં ચિંતા ફેલાઇ હતી. દરમિયાન ગુરૂવાર સુધી માવઠાનો દોર જારી રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા દર્શાવાઇ છે. નખત્રાણા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલો કમોસમી વરસાદ ખેડૂતો માટે મુસીબત રૂપ બની રહ્યો છે. સોમવારે બપોરે નારણપર, રામપર રોહા, કોટડા રોહા, વિભાપર, બેરુ, મોસુડા, કોટડા જડોદર, નેત્રા, રસલીયા, બાંડીયારા, ઉખેડા, જડોદર સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.
હાલમાં ખેડૂતો દ્વારા જીરું, રાયડો, એરંડા, કપાસ, ઘઉં, કેરી, દાડમ વગેરેનો પાક લેવાઈ રહ્યો છે જેમાં આ કમોસમી વરસાદ ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનું કિસાનો જણાવી રહ્યા છે. હરીપર અને વાલ્કાના માર્ગે છેલો વહી નીકળ્યો હોવાનું હરીપરના મહેન્દ્ર ગોગારી એ જણાવ્યુ હતું.ખીરસરા (રોહા) વિસ્તારમાં બાગાયતમાં થયેલા નુકસાન અંગે સ્થાનિક ગ્રામસેવક, બાગાયત વિભાગના અધિકારી તેમજ કૃષિ સંશોધન વિભાગના અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી ચાલુ હતી તે સમયે જ અંદાજે અડધાથી એકાદ ઇંચ જેટલા પડેલા વરસાદના કારણે ઝાડ પર લાગેલ કેરીઓ ખરી પડતાં ખેડૂતોનો પડ્યા પર પાટું જેવો તાલ સર્જાયો હોવાનુ શાંતિલાલભાઈએ જણાવ્યું હતું.
લખપત તાલુકાના માતાનામઢમાં ઝાપટા પડતાં યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા હતા. માતાના મઢ ખાણ પર કરા સાથે વરસાદ પડતા પાણી વહી નીકળ્યા હતા. થોડા સમય માટે લિગ્નાઇટ ભરવાનું બંધ કરાયું હતું. તાલુકા મથક દયાપર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે આંધી ફૂંકાઇ હતી. રવાપર પંથકમાં બે-ત્રણ દિવસ માવઠું ન થતાં કિસાનોએ રાહતનો દમ લીધો હતો પણ સોમવારે ફરી માહોલ ગોરંભાયો હતો અને બપોરે 2.30 વાગ્યાના અરસામાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે ઝાપટું પડ્યું હતું.
નાગવીરી, નવાવાસ, લીફરી, ઘડાણી, વિગોડી, નાના-મોટા વાલ્કા, આમારા સહિતના ગામોમાં માવઠું થતાં ખેત પેદાશો તેમજ કેરીના વૃક્ષો પર આવેલા ફૂલોને વ્યાપક નુક્સાન થયું હતું. અંજારમાં પણ બપોરે એકાએક માહોલ ગોરંભાયો હતો અને 4થી 6 વાગ્યાના અરસામાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવ થયો હતો. અબડાસા તાલુકામાં સણોસરા, મોથાળા, નરેડી, બીટ્ટા, નાની ધૂફી, ભવાનીપર, બાલાપર, વમોટી, દબાણ ખાનાય વિસ્તામાં કરા અને ઝાપટાં પડ્યા હતા તેને બાદ કરતાં પંથકમાં માવઠું ન થતાં કિસાનોએ હાશકારો અનુભવ્યો હતો.
ગઢશીશામાં બપોરે 4:00 વાગ્યાની આસાપાસ ઝાપટું પડતાં રાબેતા મુજબ વીજ પુરવઠો બંધ પડી ગયો હતો. ખેડૂતો અને મજુર વર્ગમાં દોડધામ મચી હતી. મુન્દ્રામાં સમી સાંજે અચાનક વાતાવરણ પલટાયા બાદ ઠંડા પવન સાથે વરસાદ પડ્યો હતો. ભુજપર અને પ્રાગપરમા ઝાપટા વરસ્યા બાદ આકાશમાં સપ્તરંગી મેઘધનુષનો રમણીય નજારો જોવા મળ્યો હતો.ભુજના ખાવડા વિસ્તારમાં જુણા, જામકુનરીયા, ધોરાવર, મોટાપૈયા, ખાવડા ,સીમરી, દીનારા નાના-મોટા, ધ્રોબાણા, કુરન, કોટડા તેમજ મોટા રણ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો પવન તેમજ ગાજવીજ સાથે અમુક ગામોમાં કરા પણ પડ્યા હતા.
સાંજે 7 વાગ્યાથી પડેલા વરસાદમાં દોઢથી બે ઇંચ જેટલું પડી ગયું હતું જેને લીધે ખેડૂતોના ઉભા પાકને ઘણું નુકસાન થયું હતું. વડવા કાંયામાં બપોર બાદ ગાજવીજ અને તોફાની પવન સાથે એક ઇંચ જેટલું પાણી વરસતાં ખેતરોમાં પાણી ભરાવાથી ઘઉં, એરંડા, વાલ, કેરીને ભારે નુક્સાન થયું હતું. પશુ પાલકોએ ખુલ્લામાં રાખેલો ચારો પલળી ગયો હતો તેમ મનીષ વાસાણીએ જણાવ્યું હતું. દેશલપર વાંઢાયમાં બપોરે ૩:૩૦ થી ૪:૩૦ વચ્ચે એક કલાકમાં ભારે પવન અને ગાજવીજ સાથે લગભગ અડધા ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો.
ખેડૂતોને વળતર આપવા જિલ્લા ભાજપ અધ્યક્ષની માગ
કચ્છમાં પડી રહેલા કમોસમી વરસાદને પગલે ખેતી અને બાગાયતમાં વ્યાપક નુક્સાન થયું છે જેની મોજણી કરીને ખેડૂતોને વળતર ચૂકવાય તેવી રજૂઆત જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઇ પટેલે મુખ્યમંત્રી સમક્ષ કરી હતી. ઘઉં, ધાણા, જીરૂ, કપાસ સહિતના તૈયાર પાકોને તેમજ કેરી, દાડમ અને કમલમ ફ્રૂટ જેવા બાગાયતી પાકોને મોટું નુક્સાન થયું છે જેનું ધરતીપુત્રોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માગ રાજ્ય સરકાર સમક્ષ કરી હતી.
રોહા ફાટક પાસે બરફના ઢગ ખડકાયા
નખત્રાણા તાલુકાના રોહા વિસ્તારમાં કરા વરસતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ફાટક પાસે કરાના વરસાદને પગલે બરફના ઢગ જોવા મળ્યા હતા. રોહા કોટડા, નારણપર, રામપર ગામે પણ કરાનો વરસાદ પડ્યો હતો જેના કારણે ખેતરો અને માર્ગોમાં બરફની ચાદર છવાઈ જતાં થોડા સમય માટે જાણે કાશ્મીર હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ઉખેડા પાસે વીજ પોલ ધરાશાઇ થતાં લાઇટ ગૂલ
નખત્રાણા તાલુકાના ઉખેડા ગામ પાસે વરસાદના કારણે વીજ પોલ ધરાશાઇ થતાં સ્થાનિકે અને આસપાસના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ગામના સરપંચ તુષાર ગોસ્વામીના જણાવ્યા મુજબ ભારે પવન અને વરસાદના કારણે બપોરે 3 વાગ્યાના અરસામાં વીજપોલ જમીનદોસ્ત થતાં ઉખેડા, નાની-મોટી વમોટી, બાલાપર, ખાનાય વગેરે ગામોમાં વીજ પુરવઠો બંધ પડી ગયો હતો.
