~ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો જરૂરી છે કે નહીં તે નિર્ણય તબીબ કરી શકે કંપની નહીં : અદાલત
વડોદરાની ગ્રાહક સુરક્ષા અદાલતે મેડિકલ ઈન્સ્યોરન્સ ક્લેઈમને લઈને કહ્યું કે, દાવા માટે કોઈ પણ વ્યક્તિને 24 કલાક હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. નવી ટેક્નોલોજીમાં દર્દીઓને લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી હોતી. જેથી આદેશમાં વીમા કંપનીને વીમાની રકમ ચૂકવવા હુકમ કર્યો છે.
શહેરના ગોત્રી રોડ પર રહેતા રમેશચંદ્ર જોષીએ 2017માં નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અરજીમાં જણાવાયું હતું કે, કંપનીએ તેનો વીમા દાવો ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. જોશીની પત્ની 2016માં ડર્માટોમાયોસાઇટિસથી પીડિત હતી અને તેને અમદાવાદની લાઇફકેર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર બાદ બીજા દિવસે તેને રજા આપવામાં આવી હતી.અને આ માટે વીમા કંપની પાસેથી રૂ. 44,468નો દાવો કર્યો હતો. વીમા કંપનીએ તેમનો દાવો ફગાવી દીધો હતો અને દલીલ કરી હતી કે, પોલિસીના નિયમ મુજબ તેમને 24 કલાક સુધી દાખલ રાખવામાં આવ્યા ન હતા. ગ્રાહક કોર્ટે કહ્યું કે, જો એવું માની લેવામાં આવે કે, દર્દીને 24 કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અગાઉ દર્દીઓને લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવું પડતું હતું. હવે ઘણી વખત દર્દીઓને દાખલ કર્યા વગર સારવાર આપવામાં આવી રહી છે. વીમા કંપની એ આધાર પર દાવો નકારી શકે નહીં કે, દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ન હતા. વીમા કંપની એ નક્કી કરી શકતી નથી કે, દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો જરૂરી છે કે નહીં. નવી ટેક્નોલોજી, દવાઓ અને દર્દીની સ્થિતિના આધારે માત્ર ડૉક્ટર જ નિર્ણય લઈ શકે છે. અને વીમા કંપનીને દાવો નકાર્યાની તારીખથી 9 ટકા વ્યાજ સાથે જોશીને રૂ. 44,468 ચૂકવવાનો હુકમ કર્યો હતો. સાથે વીમા કંપનીને માનસિક વેદના માટે રૂ. 3,000 અને જોશીને મુકદ્દમાના ખર્ચ માટે રૂ. 2,000 ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો.
