~ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી વોક આઉટ કર્યુ હતું
~ આ સંકલ્પ પત્ર દરમિયાન રાજ્યના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા
ગુજરાતમાં 2002માં થયેલા ગોધરા રમખાણો પર BBCએ એક ડોક્યુમેન્ટરી તૈયાર કરી છે. આ ડોક્યુમેન્ટરી બે તબક્કામાં તૈયાર કરવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટરીની સામે વિધાનસભા ગૃહમાં ગઈકાલે BBC સામે કડક પગલાં લેવા બિન-સરકારી સંકલ્પ રજૂ કરવામાં આવ્યો હતો જે કોઈપણ વિરોધ વગર જ પસાર થયો હતો.
ગૃહમાં વિપુલ પટેલે બિનસરકારી સંકલ્પ રજૂ કર્યો હતો
રાજ્યની વિધાનસભા ગૃહમાં ગઈકાલે BBC ડોક્યુમેન્ટ્રીનો મુદ્દો ઉઠ્યો હતો. રાજ્યમાં 2002માં થયેલા રમખાણો પરની ડોક્યુમેન્ટરીથી પીએમ મોદીની છબી અને લોકપ્રિયતાને બગાડવા બદલ BBC સામે કડક પગલાં લેવા કેન્દ્રને વિનંતી કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્ય વિપુલ પટેલે વિધાનસભા ગૃહમાં BBC સામે બિનસરકારી સંકલ્પ રજૂ કર્યો હતો. પટેલના પ્રસ્તાવને ભાજપના ધારાસભ્યો મનીષા વકીલ, અમિત ઠાકર, ધવલસિંહ ઝાલા અને મંત્રી હર્ષ સંઘવીએ ટેકો આપ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી વોક આઉટ કર્યુ હતું. કોંગ્રેસના ધારાસભ્યોની ગૃહમાં ગેરહાજરી વચ્ચે આ સંકલ્પ રજૂ કરાયો હતો. આ બિન સરકારી સંકલ્પ કોઈપણ જાતના વિરોધ વગર જ ગૃહમાં હાજર તમામ સભ્યોના મતથી પસાર થયો હતો. આ સંકલ્પ પત્ર દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા.
સ્પીકર અને ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યા હતા
સર્વસંમતિથી સંકલ્પ પસાર કર્યા બાદ સ્પીકર શંકર ચૌધરીએ કહ્યું કે BBCનો પ્રયાસ નિંદનીય છે. તેમણે કહ્યું કે ભારત એક લોકશાહી દેશ છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતા તેના બંધારણના મૂળમાં છે પરંતુ તેનો અર્થ એ નથી કે મીડિયા હાઉસ આવી સ્વતંત્રતાનો દુરુપયોગ કરે. વિધાનસભા ગૃહમાં નિવેદન આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિપુલ પટેલ જે સંકલ્પ રજૂ કર્યુ છે તેમને હું એક સાચા મુદ્દાઓ સાથે સભાગૃહમાં અમુક હકીકતો રજૂ કરીશ. BBC જે ડોક્યુમેન્ટરી બનાવી છે તેમા ફક્ત નરેન્દ્ર મોદી વિરુદ્ધ નહી પણ દેશના 135 કરોડ ભારતીય લોકો વિરોધ બનાવેલી આ ડોક્યુમેન્ટરી છે.
