“ કુદરત જ્યારે કોઈ ખોટ આપે ત્યારે હૈયામાં હિમ્મત પણ ઠાસી ઠાસીને ભરી દે છે. જેનો કોઈક વટથી ઉપયોગ કરી જિંદગીને જીવવા લાયક બનાવી દે, કોઈક દયાને પાત્ર બની જાય છે. મુંદરાના મુસ્લિમ પરિવારમાં ચાકી કુલસૂમબેન નુરમામદ જે બંને પગે ૮૦ ટકા દિવ્યાંગ છે, પણ મનથી અતિ મજબૂત છે. સંતાનમા એક દીકરી એક દીકરો છે. પતિ નાનકડી કેબીન બનાવી ઘર ચલાવે,પણ કાળઝાળ મોંઘવારીમાં એક વ્યક્તિની કમાણી ઓછી જ પડે.
કુલસૂમબેને મનમાં નક્કી કર્યું કે જો મને નાની એવી મદદ મળી જાય તો મારે મહેનત કરીને પોતાના પગ પર ઊભું થવું છે. કોઈ પાસે માંગીને ઘર ચલાવવું નથી. કાલે છોકરા મોટા થઈ જશે. જો મન મજબૂત અને સાચી નિષ્ઠા હોય તો પરવર દિગાર કોઈને કોઈ સ્વરૂપે તમને મદદ કરવા કોઈને મોકલે જ છે. મુંદરા તાલુકામાં અદાણી ફાઉન્ડેશન દિવ્યાંગોને માટે અવિરત કામ કરે છે. તેમના ધ્યાને આવતા અને બેનની જરૂરિયાત જાણી એક કેબીન તેમને આપવામાં આવી. આ કેબીને તેમના મનની ઇચ્છાને પૂરી કરી. આજે કુલસૂમબેન જાત મહેનત અને જ્યાં શારીરિક જરૂર પડે ત્યાં પરિવારનો સહારો મેળવીને રોજના ૨૦૦ થી ૨૨૫ રૂપિયા કમાઈને વટથી ઘર ચલાવે છે.
આજે વિશ્વ મહિલા દિવસે બેન જણાવે છે કે કુદરતી ખોટ માટે કોઈને દોષ દેવા કરતાં તેણે જે આપ્યું તેનો ઉપયોગ કરીએ. દયાને પાત્ર નહીં પણ દાદને પાત્ર બનીએ. આજે આ બેને એક કવિએ કરેલી માંગણીને સાર્થક કરી બતાવી. “હાથ, પગને હૈયું તે મુજને દીધું, જા ચોથું નથી માંગવુ, બહું દઈ દીધું દીનાનાથ “ આજના દિને શારીરિક સશક્તિકરણ કરતાં માનસિક સશક્તિકરણની વધારે જરૂર છે. એક પ્રેરણાદાયી મહિલા કુલસૂમબેનને સલામ.
