અદાણી ફાઉ. દ્વારા મુંદ્રાના સક્ષમ યુવાધનને પ્રમાણપત્ર વિતરણ કરાયા

~ યુવાનોને કૌશલ આધારિત તાલીમ અને પ્લેસમેન્ટ થકી રોજગારી મળી

~ આત્મનિર્ભરતા ભણી પ્રયાણ

મુંદ્રા સ્થિત અદાણી ફાઉન્ડેશન પ્રેરિત સક્ષમ (SAKSHAM) પ્રોજેક્ટ હેઠળ યુવાધનને પગભર બનાવવાના પ્રયાસો અવિરત જારી છે. તાજેતરમાં ધબ્ર ખાતે કૌશલ આધારિત તાલીમ પ્રાપ્ત વિદ્યાર્થીઓને પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે સફળ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું. એટલું જ નહી, સફળ ઉમેદવારોને પ્લેસમેન્ટ દ્વારા રોજગારી મેળવવામાં પણ મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવ્યું છે. કાર્યક્રમને વધાવતા ધબ્ર ગ્રામપંચાયત તરફથી અદાણી ફાઉન્ડેશનને પ્રસંશાપત્ર આપવામાં આવ્યું હતું.

અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમમાં કુલ 70 ઉમેદવારોને તાલીમ આપવામાં આવી હતી, જેમાં 50 ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર અને 20 મદદનીશ ઇલેક્ટ્રિશિયનનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં ASDC કચ્છના ક્લસ્ટર હેડ સાગર કોટક, થર્મેક્સ ફાઉન્ડેશનના વડા અનીસ શેખ અને ટીમ, ધ્રબના સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ કાર્યક્રમમાં થર્મેક્સ ફાઉન્ડેશન તરફથી નાણાંકીય સહયોગ પ્રાપ્ત થયો હતો.

ત્રણ મહિનાના ટૂંકા ગાળાના કોર્સ બાદ તાલીમાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કરી તેનું મહત્વ સમજાવ્યું હતું. યુવાધને પ્રાપ્ત કરેલા પ્રશિક્ષણથી સમાજોપયોગી થવાની નેમ વ્યક્ત કરી હતી. ASDC – મુંદ્રા આસપાસના લોકોને તાલીમ આધારિત રોજગારી અપાવવામાં સતત મદદરૂપ થતું રહ્યું છે. તાલીમ પામેલ કાર્યકુશળ યુવાનોને યોગ્ય નોકરી પણ મળી રહે છે. તદુપરાંત, તેઓ પોત-પોતાની કુશળતા અને યોગ્યતા અનુસાર કરાર આધારિત કામ પણ મેળવી શકે છે.

ASDC ભારતના 11 રાજ્યોમાં 20 થી વધુ ક્ષેત્રોમાં 75 થી વધુ અભ્યાસક્રમો દ્વારા રોજગારલક્ષી તાલીમ પૂરી પાડે છે. સંસ્થાની પ્રવૃત્તિઓના પરિણામે 1 લાખથી વધુ યુવાનોને રોજગારી માટે સક્ષમ બનાવવામાં આવ્યા છે, જેમાં 60% થી વધુ તો મહિલાઓનો સમાવેશ થાય છે. કૌશલ્ય વિકાસક્ષેત્રે સંસ્થા દ્વારા 19 જેટલા યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકવામાં આવ્યા છે.

Leave a comment