~ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષાનું ફરજિયાત શિક્ષણ અપાશે : શિક્ષણ મંત્રી
~ ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક, ૨૦૨૩’ વિધાનસભા ગૃહમાં પસાર
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને માતૃભાષા-ગુજરાતી ફરજીયાત ભણાવવામાં આવે છે તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક, 2023 તૈયાર કરવામાં આવ્યુ છે. રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત આપવાની જોગવાઈ આ વિધેયકમાં કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પાઠ્યપુસ્તક ભણાવવાના રહેશે. આ કાયદાની જોગવાઇઓનો ભંગ કરનાર શાળા સંચાલકોને દંડ ફટકારવાની અને આવી પ્રવૃતિના ત્રણ ઉલ્લંઘનના કિસ્સામાં રાજ્યની બિન-સહાયિત શાળાઓને અપાયેલી માન્યતા રદ કરવા જેવા કડક પગલા લેવાની પણ જોગવાઇઓ આ કાયદામાં કરવામાં આવી છે, તેમ શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઇ ડિંડોરે જણાવ્યુ હતું.
ગુજરાતી ભાષાના બિલની જોગવાઇઓ
- તમામ શાળાઓએ ધોરણ-1થી ધોરણ-8 સુધી ગુજરાતી ભણાવવું ફરજિયાત
- પ્રથમ વખત નિયમના ભંગ બાદ રૂ. 50,૦૦૦નો દંડ
- બીજી વખત નિયમના ભંગ બાદ રૂ. 1,૦૦,૦૦૦નો દંડ
- ત્રીજી વખત નિયમના ભંગ બાદ રૂ. 2,૦૦,૦૦૦નો દંડ
- ત્રણ વખતથી વધુ વખત ભંગ થશે તો શૈક્ષણિક સંસ્થાની માન્યતા રદ
- રાજ્યના પ્રત્યેક બોર્ડ અને સ્કૂલને કાયદો લાગુ કરાશે
- વિધેયકના નિયમો પ્રમાણે દંડ ઉપરાંત સજાની પણ જોગવાઇ
- કાયદાનો અમલ માટે નાયબ નિયામકની નિમણૂક
- ગુજરાત બોર્ડ ઉપરાંત તમામ બોર્ડમાં ગુજરાતી ફરજીયાત છે
- CBSEની સ્કૂલો અને કેન્દ્રીય સ્કૂલોનો પણ સમાવેશ
ગુજરાતની સત્તાવાર ભાષા હોવા છતાં કેટલીક શાળાઓમાં ગુજરાતી ભાષાને શીખવવામાં આવતી નથી: શિક્ષણમંત્રી
શિક્ષણમંત્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, ગુજરાતી ભાષા ગુજરાતની સત્તાવાર ભાષા હોવા છતાં કેટલીક શાળાઓમાં ગુજરાતી ભાષાને એક વિષય તરીકે પણ શીખવવામાં આવતી નથી, જેને કારણે રાજ્યના રહેવાસીઓ તેમની સત્તાવાર ભાષાથી વંચિત રહે છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે 2018માં ઠરાવ બનાવી રાજ્યની ગુજરાતી માધ્યમ સિવાયની તમામ શાળાઓમાં વર્ષ 2018માં ધોરણ-1 અને 2, વર્ષ 2019માં ધોરણ-3, વર્ષ 2020માં ધોરણ-4, તે રીતે ક્રમશઃ ધોરણ 8 સુધી ગુજરાતી ભાષા શિક્ષણનો ફરજિયાત અમલ કરવા આદેશ કર્યો હતો.
નવી શિક્ષણ નીતિમાં પણ માતૃભાષાનો ઉલ્લેખ
નવી શિક્ષણ નીતિમાં પણ માતૃભાષા અને ભારતીય સંસ્કૃતિ એ બંનેને કેન્દ્રમાં રાખીને અન્ય ભારતીય ભાષાની પસંદગી બીજી ભાષા તરીકે કરવાની જોગવાઈ કરવામાં આવી છે. એક અભ્યાસ મુજબ વિશ્વના વિકસિત દેશોમાં પોતાની માતૃભાષાનો ઉપયોગ સંસ્કૃતિ અને પરંપરાઓમાં સુશિક્ષિત હોવું એ કોઈ અડચણ નહિ, પરંતુ ખરેખર શૈક્ષણિક, સામાજિક અને તકનિકી પ્રગતિ માટે ફાયદાકારક સાબિત થયો છે.
શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે
ગુજરાત રાજ્યની તમામ શાળાઓ ઉપરાંત અંગ્રેજી માધ્યની સીબીએસસી શાળાઓ અને ઇન્ટરનેશનલ શાળાઓને પણ આવરી લેવામાં આવી છે. રાજ્યમાં ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષા જો કોઈ શાળા ભણાવશે નહીં તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને દંડની જોગવાઈ મુજબ એક્શન લેવામાં આવશે. પ્રથમ બે વખત શાળાને નાણાકીય દંડની જોગવાઈ રાખવામાં આવી છે. ત્રીજીવાર નિયમનું પાલન ન કરે તો પ્રતિ દિવસના દંડની અને પેનલ્ટીની જોગવાઈ બિલમાં રાખવામાં આવી છે.
