અદાણી કંપનીને સમર્થન આપતું આવેદનપત્ર મામલતદારને તાલુકાની બહેનો દ્વારા આપવામાં આવ્યું હતું. આ અંગે દેવલબેન ગઢવી, મેઘનાબેન આહીર, અન્નપૂર્ણાબેન કેશવાણીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, વિદેશી કંપની દ્વારા ભારતની સ્વદેશી કંપની અદાણીને ખોટા રિપોર્ટ કરીને અદાણી વિરુદ્ધ ષડયંત્ર રચી ખોટો રિપોર્ટ રજૂ કરાયો છે, જેના કારણે અદાણી કંપનીને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
આગળ વાત કરતાં બહેનોએ જણાવ્યું કે, કોરોનાકાળમાં અમારા માણસો કામ-ધંધા વિનાના ઘરે બેઠા હતા ત્યારે ઘરના ચૂલા કેમ સળગશે તેની ચિંતા હતી, પણ કપરી પરિસ્થિતિમાં અદાણી ફાઉન્ડેશને અમને માસ્ક બનાવવાની કામગીરી તથા મશીન આપતાં અમને ઘરબેઠે 15થી 20 હજાર રૂપિયા જેવી રકમ દર મહિને મળતાં અમારા ઘરના ચૂલા સળગાવી શક્યા હતા તથા હોસ્પિટલ, ગામડાઓમાં શાળાઓ, આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર વિવિધ કામગીરીનાં કારણે માત્ર?મુંદરામાં નહીં સમગ્ર ગુજરાત વિકાસનું હબ બન્યું છે.
આજની તારીખમાં પણ અમે પાંચથી 50 હજાર રૂપિયા ઘરબેઠે કમાઇ લઇએ છીએ. વિદેશી કંપની ખોટા રોડાં નાખી વિકાસને અટકાવવાની કોશિશ કરે છે. આ સહેલી ગ્રુપમાં હજારોની સંખ્યામાં બહેનો છે. આજે 45થી 50 સહી સાથે મહિલાઓએ આવેદનપત્ર આપતાં જણાવ્યું હતું કે, અમારો કોઇ પણ સ્થાનિક પ્રશ્ન હોય તો અદાણીના રક્ષિતભાઇ શાહ પાસે રજૂઆત કરીએ તો તરત જ નિવારણ થઇ જતું હતું. અદાણી કંપની આવ્યા પછી મુંદરાની પરિસ્થિતિથી સૌ કોઇ વાકેફ છે. લાખોને રોજગારી આપતી કંપનીએ મુંદરાને મોડેલ બનાવ્યું છે તથા આજે પણ મુંદરા અદાણી પોર્ટનાં કારણે ઓળખાય છે. સવારે ખોડિયાર મંદિરથી રેલી સ્વરૂપે અદાણી જિંદાબાદના નારા લગાવ્યા હતા. અગાઉ પૂર્વ કચ્છ ધર્મ જાગરણ વિભાગ દ્વારા પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
