શહેરી સાથે ગ્રામજનોમાં પણ સારવાર લેવા વધતી જાગૃતિ
શરીરમાં દાંત ખૂબ સંવેદનશીલ હોય છે.તેથી તેની સંભાળ રાખવી જરૂરી છે, અન્યથા તેમાં ધીમે ધીમે બગાડ શરૂ થાય છે.પરંતુ તેનો ખ્યાલ ત્યારે જ આવે કે જ્યારે તેમાં વધુ ખરાબો થાય છે અને અનેક પરેશાની શરૂ થાય છે.એવા સંજોગોમાં દાંત બચાવી રાખવા અને દુખાવો બંધ કરવા માટે છેલ્લે દાંતમાં રૂટ કેનાલ કરવાનો જ ઉપાય રહે છે.જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં વર્તમાન સમયમાં પ્રતિ માસે સરેરાશ ૮૦ જેટલા દર્દીઓ આ સારવાર માટે આવે છે.
જી.કે.ના દંત ચિકિત્સકના જણાવ્યા મુજબ કચ્છના ગ્રામજનોમાં આ અંગે હવે જાગૃતિ આવી છે.દૂર દૂરથી દર્દીઓ આવે છે.જોકે શહેરીજનો પણ લાભ લઇ રહ્યા છે. રૂટ કેનાલ એક એવી પ્રક્રિયા છે જેનાથી તૂટેલા દાંતને કારણે થતા દુખાવામાં રાહત રહે છે. દાંતને જળમૂળ થી સાફ કરવામાં આવે છે.પછી શિલ કરી દેવાય છે.સામાન્ય રીતે આ પ્રક્રિયા સરળ છે. મોટાભાગે રૂટ કેનાલની સારવાર બાદ દાંતની આયુષ્ય વધી જાય છે.
ડેન્ટિસ્ટ ડો.નિયંતા ભાદરકા, ડો.નિશા મોરડીયા અને ડો.નિશાત ખત્રીએ આપેલી વિગતો મુજબ રૂટ કેનાલ બાદ પહેલાની જેમ દાંતની સફાઈ કરી શકાય છે. આ પ્રક્રિયા ૩ થી ૪ તબ્બકા બાદ જ ચોક્કસ પરિણામ આપે છે. કેટલાક દર્દીઓ એકજ વારમાં રૂટ કેનાલ કરાવી તેની અવગણના કરે છે, જેથી દર્દી અને તબીબની મહેનત એળે જાય છે. મોટાભાગનાને આથી રાહત થાય છે.જવલ્લેજ સમસ્યા થાય પણ એકાદ-બે સપ્તાહમાં ઠીક થઈ જાય છે. રૂટ કેનાલ પછી દાંતનું કેપિંગ જરૂરી બને છે, નહીતો દાંત અસુરક્ષિત બની જાય છે. રૂટ કેનાલ પછીની સાવધાની બાબતે તબીબોએ જણાવ્યું કે, સખત અને કડક ચીજ વસ્તુ ખાવાથી દૂર રહેવું જોઈએ. આ ઉપરાંત ખાટાં ફળો, બિસ્કીટ અને પાન સોપારી, શરાબનું સેવન હિતાવહ નથી. રૂટ કેનાલની જરૂરિયાત ક્યારે થાય તેના જવાબમાં કહ્યું કે, જ્યારે કોઈ એક થી વધુ દાંત સડી જાય ત્યારે તેને અને બાજુના દાંતને બચાવવા રૂટ કેનાલ(આર.સી.ટી.)ની જરૂર પડે છે.
